ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે. જગદીશ પંચાલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ હશે. તેઓ બપોરે 12.30 કલાકે વિજય મુહૂર્તમાં કમલમમાં જઈને ફોર્મ ભરશે. સૂત્રો મુજબ અમદાવાદ નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના તેમજ પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરશે.
જગદીશ પંચાલ સાથે તેમના 10 ટેકેદારો પણ હાજર રહેશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષની રેસમાં જગદીશ પંચાલ ખાલી એકલા ફોર્મ ભરશે તેવી માહિતી મળી રહી છે. બપોરે 12.30 વાગ્યાની આસપાસ જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર કમલમ ખાતે પહોંચશે. અહીં ઉલ્લેખનિય છે કે ગુજરાત ભાજપમાં હવે અમદાવાદનો દબદબો જોવા મળશે.કેમ કે મુખ્યમંત્રી બાદ હવે પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના હશે.
કોણ છે જગદીશ પંચાલ
જગદીશ પંચાલ 46-નિકોલ મત વિસ્તારના વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમણે એમબીએ ઈન માર્કેટિંગનો અભ્યાસ કરેલો છે. તેઓ ટેક્સટાઈલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે વાંચન અને સ્વિમિંગનો શોખ છે. રાજ્ય સરકાર બદલાયા બાદ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં તેમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.
જગદીશ પંચાલની રાજકીય સફર
જગદીશ પંચાલ અમદાવાદમાં શરુઆતથી ભાજપનો એક મોટો ચહેરો રહ્યા છે. તેઓ 2021માં નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2017માં પણ તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. જગદીશ પંચાલ અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હવાલો સંભાળી ચુક્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેમને વન અને પર્યાવરણ મંત્રીનો રાજ્ય કક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે.