ગૃહ, વાહનવ્યવહાર રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુરત શહેરના પીપલોદ સ્થિત કારગીલ સર્કલથી રૂ.૧૫ કરોડના ખર્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ(GSRTC)ની ૪૦ નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વડોદરા, ભરૂચ, વલસાડ અને સુરત એમ ચાર ડિવિઝનની ૨૦ સુપર એક્સપ્રેસ, ૫ એ.સી, ૧૫ મિની મળી કુલ ૪૦ નવીન બસોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી નવીન બસો મુસાફરોને પરિવહન સુવિધામાં વધારો કરશે. યાતાયાત સરળ બનતા મુસાફરોનો સમય અને નાણા બંનેની બચત થાય છે. રાજ્ય સરકાર જાહેર પરિવહન સેવાને ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર બનાવવા સતત કાર્યરત છે.

વધુમાં તેમણે કહ્યું કે, એસ.ટી વિભાગ દ્વારા છેલ્લા ૨ વર્ષમાં ૨ હજારથી વધુ નવી બસો શરૂ કરાઈ છે, અને ૨.૧૫ લાખથી વધુ પ્રવાસીઓનો ઐતિહાસિક વધારો કરવામાં સફળતા મેળવી છે. તેમજ એસ.ટી વિભાગ દ્વારા દિવાળી પહેલા વધુ ૨૦૦ બસો શરૂ કરવાનો લક્ષ્યાંક હોવાનું જણાવ્યું હતું. ૨૪ કલાક મુસાફરોને ગંતવ્ય સ્થાને સુરક્ષિત પહોંચાડતા એસ.ટી. ડ્રાઈવરોની સેવાને બિરદાવી હતી.
આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, GSRTC વિભાગીય નિયામક પી.વી. ગુર્જર, GSRTCના સચિવ રવિભાઈ નિર્મલ અને જનરલ મેનેજર એ.ડી. જોશી સહિત એસ.ટીના અધિકારી/કર્મચારી ઉપસ્થિત હતા.