Thursday, Oct 23, 2025

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી અવસરે ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કો લોન્ચ

2 Min Read

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ડો. અંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ અવસરે વડા પ્રધાને RSSના રાષ્ટ્ર પ્રત્યેના 100 વર્ષના યોગદાનને દર્શાવતી ખાસ ડિઝાઇન કરાયેલી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો જાહેર કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે આવતી કાલે વિજયાદશમી છે, એ એવો તહેવાર છે જે દુષ્ટ પર સદ્ગુણની જીત, અન્યાય પર ન્યાયની જીત, અસત્ય પર સત્યની જીત અને અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતિક છે. 100 વર્ષ પહેલાં આ જ પવિત્ર દિવસે RSSની સ્થાપના થઈ, એ કોઈ સંયોગ નહોતો.

RSSના શતાબ્દી સમારોહમાં વડા પ્રધાને કહ્યું હતું કે આ 100 રૂપિયાનો સિક્કો એક તરફ રાષ્ટ્રીય પ્રતીક છે અને બીજી તરફ ભારત માતાની છબી છે, જે સિંહ પર વિરાજમાન છે અને સ્વયંસેવકો સમર્પણ ભાવથી તેમની આગળ નમન કરી રહ્યા છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ પહેલી વાર છે કે અમારી કરન્સી પર ભારત માતાની છબી દર્શાવવામાં આવી છે. આજે જાહેર કરાયેલા વિશેષ ટપાલ ટિકિટનું પણ પોતાનું મહત્વ છે. 1963માં, RSS સ્વયંસેવકોએ પણ ગણતંત્ર દિવસની પરેડમાં ગર્વપૂર્વક ભાગ લીધો હતો. આ ટપાલ ટિકિટ પર એ ઐતિહાસિક ક્ષણની છબી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આરએસએસની 100 વર્ષની ગૌરવશાળી યાત્રા ત્યાગ, નિસ્વાર્થી સેવા, રાષ્ટ્ર નિર્માણ અને અનુશાસનનું એક અદભૂત ઉદાહરણ છે. તેમણે કહ્યું કે અમારા સ્વયંસેવકો એ સદ્દભાગ્યે એપેઢીના છે જેમને આરએસએસના શતાબ્દી વર્ષની સાક્ષી બનવાની તક મળી છે.

તેમણે કહ્યું હતું કે સંઘે લાખો સ્વયંસેવકોને તૈયાર કર્યા છે, સેવા અને રાષ્ટ્ર ઉત્કર્ષની સાધનામાં સંઘે પોતાને ઝોકી દીધું છે અને સતત સંઘર્ષ કરતો રહ્યો છે. આઝાદીની લડતમાં સંઘના કાર્યકર્તાઓએ લડત આપી હતી. આઝાદી પછી પણ નિઝામના અત્યાચાર સામે સંઘ લડ્યો હતો અને અનેક લોકોએ બલિદાન આપ્યું હતું.

Share This Article