સુરતના મોટા વરાછા વિસ્તારની એક સ્કૂલમાં સુરક્ષા માટે ચેતવણીરૂપ બનાવ સામે આવ્યો છે. આશાદીપ સ્કૂલની ધો.11ની એક વિદ્યાર્થીની સાથે અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં સ્કૂલવાનનો ચાલક ધર્મેન્દ્ર ઉર્ફે બકી પંકજ સંડોવાયો હતો. આ ઘટના રવિવારે બની જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલના એક્સ્ટ્રા ક્લાસ માટે નીકળ્યા હતા.
મોટા વરાછામાં સૌરાષ્ટ્રવાસી પરિવારની વિદ્યાર્થિની આજે વાનમાં સ્કૂલે અભ્યાસ કરવા ગઈ હતી ત્યારે નશામાં ધૂત વાનચાલકે વિદ્યાર્થિનીને પરત ઘરે નહીં મૂકી તેને ફરવા લઈ જતો હતો એ સમયે તેણીએ બૂમાબૂમ કરી મૂકી હતી. લોકટોળાંએ વાન ચાલકને ઝડપી લઈ ઉત્રાણ પોલીસને સુપરત કર્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ મોટા વરાછા સ્થિત આનંદધારા સોસાયટી-૨ ખાતે રહેતા પરિવારની ૧૬ વર્ષીય પુત્રી ધો. 11 સાયન્સમાં અભ્યાસ કરે છે.
આજે સવારે ઘરેથી સ્કૂલવાનમાં અન્યો સાથે અભ્યાસ કરવા ગઇ હતી. બપોરે એક કલાકે સ્કૂલેથી પરત વાનમાં આવી રહી હતી. ત્યારે વિદ્યાર્થિનીને વાનચાલકે ઘરે છોડવાના બદલે ફરવા ચાલ ફરવા જઈ એ એમ કહી અપહરણ કરવાની કોશિશ કરી હતી. બીજી તરફ સ્કૂલવાન ચાલકની દાનત પારખી ગયેલી વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરી મૂકી હતી. ત્યારે રાહદારીઓએ સ્કૂલવાનનો પીછો કરી વિદ્યાર્થિનીને સ્કૂલવાન ચાલકના કબજામાંથી મુક્ત કરાવી હતી. ઉપરાંત સ્કૂલવાન ચાલકને મેથીપાક આપીને ઉત્રાણ પોલીસ મથકમાં સુપરત કર્યો હતો. લોકટોળાંએ આક્ષેપ કર્યો હતો કે વાનચાલક નશામાં ધૂત હતો. વાનમાં દારૂની બોટલ મળી આવી હતી. જો કે આ મામલે ઉત્રાણ પોલીસે મોડી સાંજે સ્કૂલવાનના કરતૂત અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.