અમદાવાદમાં જૂન મહિનામાં ક્રૅશ થયેલા ઍર ઇન્ડિયાના વિમાનમાં જીવ ગુમાવનારા ચાર યાત્રીઓના પરિવારો અમેરિકામાં વિમાન બનાવનારી કંપની બોઇંગ અને ઍરક્રાફ્ટના પાર્ટ્સ બનાવનારી કંપની હનીવેલની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પરિવારનો આરોપ છે કે કંપનીઓની લાપરવાહીના કારણે આ દુર્ઘટના ઘટી હતી.
મંગળવારે દાખલ કરવામાં આવેલા આ કેસમાં, કહેવામાં આવ્યું કે ખરાબ ઍન્જિન સ્વિચ, દુર્ઘટનાનું કારણ બની અને કંપનીઓએ વિમાનની ડિઝાઇનમાં જોખમ હોવા છતાં ‘કંઈ કર્યું નહીં’. અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં 260 લોકોનાં મૃત્યુ થયાં હતાં. તપાસમાં કહેવામાં આવ્યું હતું કે બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની ફ્યૂલ સ્વિચને વિમાન ઊડ્યાના થોડાક સમય પછી બંધ કરી દેવામાં આવી હતી.
FAAની સલાહ છતાં કંપનીઓ નિષ્ક્રિય રહી
2018માં અમેરિકાની FAA(ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન)એ ઓપરેટરોને ઇંધણ સ્વીચના લોકીંગ મિકેનિઝમનું નિરીક્ષણ કરવાની સલાહ આપી હતી. પરંતુ, આ સલાહને ફરજિયાત બનાવવામાં આવી નહોતી. તેથી મૃતકોના પરિવારો આક્ષેપ કરે છે કે બોઇંગ અને હનીવેલે જોખમ જાણ્યા છતાં જરૂરી ફેરફાર કર્યા નહીં. એવું કહેવામાં આવે છે કે કંપનીઓએ ન તો એરલાઇન્સને પુરતી ચેતવણી આપી હતી, ન તો વિકલ્પ રૂપે નવા પાર્ટ્સ ઉપલબ્ધ કરાવ્યા હતા.
વ્યવસાયિક લાભે કોર્પોરેટ બેદરકારી સર્જી
કોર્ટ કેસ કરનાર પરિવારોનું કહેવું છે કે, બોઇંગ અને હનીવેલે વ્યવસાયિક લાભને પ્રાથમિકતા આપીને મુસાફરોની સલામતી સાથે સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. સલામતીના મુદ્દે ગંભીર પગલાં ભરવાના બદલે તેમણે માત્ર એક આછીપાતળી સલાહ આપી દીધી હતી. તેમની આવી કોર્પોરેટ બેદરકારી હવે કાનૂની પડકાર રૂપે તેમના સામે ઊભી થઈ છે.