ઉત્તરાખંડના અલગ અલગ ભાગમાં આખી રાત થયેલા ભારે વરસાદથી રોડ, મકાન અને દુકાનો તૂટી ગઈ છે. મંગળવાર સવારે એક પૂલ પણ તૂટીને તણાઈ ગયો છે. દેહરાદૂન-હરિદ્વાર નેશનલ હાઈવે પર આવેલા એક પૂલનો ભાગ તૂટીને તણાઈ ગયો. આ ઘટના ફન વૈલી અને ઉત્તરાખંડ ડેન્ટલ કોલેજ નજીક થઈ, જેનાથી વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.
તો વળી દેહરાદૂનમાં પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં વાદળ ફાટવાથી નદીઓ અને જળધારાઓમાં તોફાન આવ્યું છે, જેનાથી દુકાનો તણાઈ ગઈ અને કેટલાય લોકો ગુમ થઈ ગયા. આ ઉપરાંત દેહરાદૂનના પ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થઈ ગયું. મંદિરના પૂજારી આચાર્ય બિપિન જોશીએ જણાવ્યું કે, સવારે 5.00 વાગ્યાથી નદીનું જળસ્તર ઝડપથી વધવાનું શરુ થઈ ગયું હતું, જેનાથી આખા મંદિર પરિસરમાં પાણી ભરાઈ ગયું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી વિનોદ કુમાર સુમને જણાવ્યું હતું કે, “દહેરાદૂનના સહસ્ત્રધાર અને માલદેવતા અને મસૂરીથી પણ નુકસાનના અહેવાલો પ્રાપ્ત થયા છે. દહેરાદૂનમાં બે થી ત્રણ લોકો ગુમ થયાના અહેવાલ છે. મસૂરીમાં એક વ્યક્તિના મૃત્યુના અહેવાલ છે અને તેની પુષ્ટિ થઈ રહી છે.” તેમણે કહ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ટીમો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે અને 300 થી 400 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ X પર એક પોસ્ટમાં કહ્યું, “ગઈકાલે મોડી રાત્રે, દેહરાદૂનના સહસ્ત્રધારમાં ભારે વરસાદને કારણે કેટલીક દુકાનોને નુકસાન થયાના દુઃખદ સમાચાર આવ્યા. જિલ્લા વહીવટીતંત્ર, SDRF અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે.” તેમણે કહ્યું, “હું સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યો છું. હું દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું.”