Tuesday, Sep 16, 2025

લંડનમાં ગેરકાયદે પ્રવાસી વિરોધી દેખાવો હિંસક

1 Min Read

બ્રિટનમાં ગેરકાયદે અપ્રવાસીઓની વધતી જતી સંખ્યાના વિરોધમાં લંડનમાં યોજાયેલા દેખાવોમાં આશરે એક લાખથી વધુ લોકો રસ્તા પર ઊતરી આવ્યાં હતાં. બ્રિટિશ ચળવળકાર અને ગેરકાયદે પ્રવાસી વિરોધી નેતા ટોમી રોબિન્સનના નેતૃત્વમાં રસ્તે ઊતરેલા લાખો લોકો અને સુરક્ષા અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થતાં 26 પોલીસને ઇજા પહોંચી હતી. પચ્ચીસ દેખાવકારની ધરપકડ પણ કરવામાં આવી હતી.

આ દેખાવને `યુનાઇટેડ ધ કિંગડમ’ નામ આપવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનને અમેરિકાથી ટેસ્લાના માલિક એલોન મસ્કનું સમર્થન સાંપડયું હતું. વીડિયોથી જોડાયેલા મસ્કે ટોમી રોબિન્સન સાથે વાતચીત કરી હતી. મસ્કે જણાવ્યું હતું કે, હિંસા તમારી પાસે આવી રહી છે.

કાં લડો અથવા મરો. મસ્કે બ્રિટનમાં સંસદ ભંગ કરવાની માંગ કરતાં કહ્યું કે, સરકારને બદલવી પડશે. મીડિયા હેવાલો મુજબ જ્યારે શહેરમાં હિંસા થઇ રહી હતી તે વખતે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર પોતાના પુત્ર સાથે લંડનનાં એમિરેટ્સ સ્ટેડિયમમાં ફૂટબોલની મેચ નિહાળી રહ્યા હતા. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું કે, રોબિન્સનના સમર્થકોએ વિરોધ પ્રદર્શનથી અલગ કરનારી સુરક્ષા લાઇનોને તોડવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમને અટકાવ્યા હતા અને પછી હિંસા ફાટી નીકળી હતી.

આ ઘર્ષણ દરમ્યાન પોલીસ અધિકારીઓ સાથે મારપીટ કરવામાં આવી હતી અને બોટલો ફેંકવામાં આવી હતી. આ કારણે વધારાના પોલીસદળને હસ્તક્ષેપ કરવો પડયો હતો. ચાર પોલીસને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Share This Article