નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગ્યા બાદ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આ પ્રદર્શનને હવે હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ આંદોલનમાં અનેક લોકોના મોત થયાં છે, જેમાં કેટલાક રાજકીય નેતાઓ પણ સામેલ છે. પ્રદર્શનકારીઓએ કેટલાક નેતાઓને રસ્તામાં દોડાવી દોડાવીને માર્યા પણ હતાં. વાસ્તવામાં આ માત્ર સોશિયલ મીડિયા માટે નહીં પરંતુ ભ્રષ્ટાચાર મામલે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. આ દરમિયાન પોલીસે ગોળીબાર કર્યો તેમાં 21 લોકોનું મોત થયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ પણ છે.
Gen-Zએ અનેક સરકારી ઇમારાતો ભડકે બાળી
નેપાળમાં લોકોએ જે આંદોલન શરૂ કર્યું છે તેને Gen-Z નામ આપવામાં આવ્યું છે. પ્રદર્શનકારીઓએ નેપાળમાં કેટલાક નેતાઓના ઘર બાળી, સંસદ ભવન, સુપ્રીમ કોર્ટ સહિત અનેક સરકારી ઇમારતોને ભડકે બાળ્યાં છે. આ હિંસા હજી પણ વધારે ઉગ્ર બનશે તેવી આશંકાઓ છે. કારણ કે, આ પ્રદર્શનને રાજકીય સપોર્ટ મળી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. નેપાળની સ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર બની ગઈ છે.
નેપાળમાં અનેક લોકો મારા ભક્ત છેઃ રવિશંકર
આ સમગ્ર અંગે હવે ભારતના પ્રખ્યાત આધ્યાત્મિક ગુરૂ રવિશંકરે મહત્વનું નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા રવિશંકરે કહ્યું કે, નેપાળમાં જે હિંસા ભડકી છે તે આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોઈ શકે છે. વધુમાં કહ્યું કે, ‘નેપાળમાં અનેક લોકો મારા ભક્ત છે, હું સતત તેમના સંપર્કમાં રહું છું, યુવાનોમાં હતાશા સતત વધી રહી છે. જ્યારે પણ આવા આંદોલનો થયા છે, ત્યારે તેમાં અસામાજિક તત્વો મળી જતા હોય છે. આ કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર પણ હોઈ શકે છે’.