પાટીદાર અનામત આંદોલનના નેતા અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2018ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આમરણાંત ઉપવાસ માટે હાર્દિક પટેલ સહિત 9 લોકો એકઠા થયા હતા. તે સમયે હાર્દિક પટેલ સામે નોંધાયેલા કેસના મામલે હવે કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યુ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા પાટીદાર અનામત આંદોલનના નેતા અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલે વારંવાર કોર્ટના સમન્સ હોવા છતાં હાજરી આપી નહતી, જેના પગલે કોર્ટે કડક પગલા લીધા છે.
શુ છે સમગ્ર કેસ ?
આ મામલો વર્ષ 2018 નો છે, જ્યારે પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આમરણાંત ઉપવાસ માટે હાર્દિક પટેલ સહિત 9 લોકો એકઠા થયા હતા. ઉપવાસ શરૂ કરવા પૂર્વે જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમના પર પોલીસ સાથે ગેરવર્તણૂક કરવાના આક્ષેપો સાથે ગુનો નોંધાયો હતો.
હાર્દિક પટેલ ઉપરાંત ગીતા પટેલ, આશિષ પટેલ અને કિરણ પટેલ જેવા વ્યક્તિઓના નામ પણ ફરિયાદમાં સમાવિષ્ટ છે. આ તમામ સામે પાટીદાર આંદોલન દરમિયાન કાયદેસરના ધોરણે ગેરવર્તણૂક અને જાહેર વ્યવસ્થાને ભંગ કરવાનો આરોપ છે. ગ્રામ્ય કોર્ટે અગાઉથી ઘણી વખત હાર્દિક પટેલને સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તેઓ સતત ગેરહાજર રહ્યા હતા. 9 સપ્ટેમ્બર, 2025ના રોજ પણ હાર્દિક કોર્ટમાં હાજર ન રહ્યા, જેના પગલે કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યો છે.