ઉત્તર પ્રદેશના નોઈડાના અશ્વિન કુમાર સુપ્રા (50) નામના વ્યક્તિની મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે આ કાર્યવાહી કરી હતી.
મુંબઈ પોલીસને ગઈ કાલે બોમ્બની ઘમકી મળી હતી. જોકે, ધમકી મળ્યાના 24 કલાકની અંદર ક્રાઈમ બ્રાન્ચે ધમકી આપનારને નોઈડા સેક્ટર 79માંથી પકડી લીધો હતો. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી મૂળ બિહારનો છે. ધમકી આપવામાં વપરાયેલ તેનો ફોન અને સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યું છે. તેને નોઈડાથી મુંબઈ લાવવામાં આવ્યો છે. વધુ તપાસ કરવામાં આવશે.
અગાઉ, મુંબઈ પોલીસે માહિતી આપી હતી કે મુંબઈ ટ્રાફિક પોલીસને તેમના સત્તાવાર વોટ્સએપ નંબર પર ધમકીઓ મળી હતી. ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો કે શહેરમાં 34 વાહનોમાં 34 ‘માનવ બોમ્બ’ લગાવવામાં આવ્યા છે. આ વિસ્ફોટ આખા મુંબઈને હચમચાવી નાખશે. ‘લશ્કર-એ-જેહાદી’ હોવાનો દાવો કરતી આ સંસ્થાએ દાવો કર્યો હતો કે 14 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસી ગયા છે. ધમકીભર્યા સંદેશમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે વિસ્ફોટમાં 400 કિલો RDXનો ઉપયોગ કરવામાં આવશે. મુંબઈ પોલીસ સતર્ક છે અને રાજ્યભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ધમકીના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે ધમકીભર્યા સંદેશમાં ‘લશ્કર-એ-જેહાદી’ નામના સંગઠનનો પણ ઉલ્લેખ હતો. અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ભૂતકાળમાં પણ આવી જ બોમ્બ ધમકીઓ મળી હતી અને નાગરિકોને ગભરાવાની જરૂર નથી તેવી વિનંતી કરી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે, કોમ્બિંગ ઓપરેશન ચાલી રહ્યું છે, અને લોકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવાની સલાહ આપવામાં આવી છે.