આજે બિહારમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. વાસ્તવમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ‘મતાધિકાર યાત્રા’ દરમિયાન દરભંગામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા હીરાબેન મોદીને લઈ મંચ પરથી અપશબ્દો ઉચ્ચારાયા બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ઘટનાના વિરોધરૂપે એનડીએ (NDA)એ 4 સપ્ટેમ્બરના રોજ બિહાર બંધનું એલાન કર્યું છે.
બિહાર ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓ દ્વારા આ બંધનું નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને NDAની મહિલા પાંખ દ્વારા આ બંધને ઘોષિત કરવામાં આવ્યું છે અને તેઓ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.
હવે જાણો કઈ સેવાઓ રહેશે પ્રભાવિત?
- બસ સેવાઓ : સરકારી અને ખાનગી બસો પર અવરજવર અટકી શકે છે.
- રેલવે સેવાઓ : ખાસ કરીને સ્થાનિક ટ્રેનોમાં વિલંબ અથવા અવરોધ આવી શકે છે.
- ઓટો-રિક્ષા અને ટેક્સી સેવાઓ : મોટા ભાગના ડ્રાઈવરો બંધમાં સહભાગી થવાના કારણે સેવાઓ ઓછી મળી શકે છે.
- માર્કેટ અને શોપિંગ મોલ્સ : વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખવામાં આવી શકે છે.
- શાળા અને કોલેજો : કેટલાક ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખી શકે છે.
આ સેવાઓ રહેશે યથાવત
- હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ સેવા
- ફાર્મસી અને દવા દુકાનો
- રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ સેવાઓ પર કોઈ અસર ન થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
તાજેતરમા દરભંગામાં જ્યારે રાહુલ ગાંધી મતાધિકાર યાત્રા પર હતા ત્યારે RJD અને કોંગ્રેસના મંચ પરથી PM મોદી તથા તેમની માતા હીરાબેન વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો. BJP અને તેના સાથી પક્ષોએ આ ઘટનાની તીવ્ર નિંદા કરી છે. જોકે જેમણે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો તેની ધરપકડ થઈ ચૂકી છે. શુક્રવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.