લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે જનમાનસમાં રાષ્ટ્રવાદની ભાવના વિકસિત કરવા અને સમાજને સંગઠિત કરવા માટે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી. રાજ્ય સરકારે પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ અને પરંપરાગત ગણેશ મૂર્તિઓથી થતા પાણી પ્રદૂષણને ઘટાડવા ‘ઈકોફ્રેન્ડલી ગણેશોત્સવ’ અભિયાનને પ્રોત્સાહન આપ્યું છે, ત્યારે સુરતના રાંદેરના ગુજરાત હાઉસિંગ બોર્ડના જય માતાદી ગ્રુપ દ્વારા આ વર્ષે પર્યાવરણ સંરક્ષણ અને મહાભારતની ભવ્ય થીમ પર ભવ્ય ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય સંસ્કૃતિના સિદ્ધાંતો, ધાર્મિક શ્રદ્ધા અને નૈતિક મૂલ્યો ઉજાગર થયા છે. આ ગ્રુપ છેલ્લા ૧૫ વર્ષથી ગણેશજીની એક જ મૂર્તિની પુન:સ્થાપના કરીને નાણા બચાવી પર્યાવરણના રક્ષણ સાથે સમાજ સેવા કરે છે.
જય માતાદી ગ્રુપના નિલેશભાઈ હદાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા અમે 30 વર્ષથી ગણેશજીની સ્થાપના કરીએ છીએ. પણ છેલ્લા ૧૫ વર્ષથી એક જ મૂર્તિનો પુન:ઉપયોગ કરીને પર્યાવરણનું જતન કરવાને પહેલ કરી છે. દર વર્ષે ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક થીમ પર ઉજવણી કરવામાં આવે છે. મૂર્તિ પાછળ ખર્ચાતા પૈસાનો સમાજ સેવા અને ગરીબ બાળકોના શિક્ષણ માટે ઉપયોગ કરીએ છીએ. સ્થાપિત મંગલમૂર્તિનું વિસર્જન ગણેશ પંડાલમાં જ કરવામાં આવે છે. એટલે નદીઓમાં મૂર્તિઓના વિસર્જનથી થતું પ્રદૂષણ અટકશે, પર્યાવરણ બચાવવામાં સહાયરૂપ બનીએ છીએ. આ નાનકડા પ્રયાસથી બાળકોમાં સંસ્કાર તેમજ જવાબદારીની ભાવના વિકાસ કરવાનો અમારો હેતુ છે.
તેમણે મૂર્તિ અને શણગારની વિશેષતા વિષે જણાવ્યું કે, શણગારની દરેક સામગ્રીનો પુન: ઉપયોગ કરીએ છીએ. જેથી કોઈ પણ પ્રકારના કચરાનું સર્જન નથી થતું. છેલ્લા છ દિવસમાં 20 હજારથી વધુ શહેરીજનોએ અહીં દર્શન કરીને ધન્યતા અનુભવી છે. આ પંડાલ દ્વારા મહાભારતના સિદ્ધાંતોને આધારે સમાજમાં ધર્મ અને મૂલ્ય સમર્પિત જીવન, આપણા પ્રાચીન વારસા અને પરંપરાની સાચી સમજ સાથે પ્રગતિ અને ભક્તિ, સામાજિક સૌહાર્દ અને એકતાની ભાવના કેળવવાનો સંદેશ પણ આપવાનો પ્રયાસ કર્યો છે.
આ ગણેશ પંડાલની મુખ્ય વિશેષતા
મહાભારતના પ્રસંગો ગદાધારી ભીમ, દ્રૌપદી સ્વયંવર, દુયોધનનું અપમાન, દ્રૌપદીનું ચીરહરણ, ચોપાઈ, ષડયંત્ર, દાનેશ્વરી કર્ણ, દુર્યોધન વધ, અશ્વત્થામા, મણિ, સંજય દ્વારા મહાભારત વર્ણન, અભિમન્યુ વધ, બાણશૈયા પર ભિષ્મ પિતામહ, મહાભારત રચયિતા મહર્ષિ વેદ વ્યાસ, શ્રીકૃષ્ણના ગીતા ઉપદેશ જેવી કલાકૃત્તિઓ દર્શાવવામાં આવ્યા છે. સ્થાનિક કલાકારો, મૂર્તિકારો અને વિદ્યાર્થીઓએ નિર્માણ કરેલા આ પંડાલે યુવા પ્રતિભાને એક મંચ પૂરો પાડ્યો છે. દરરોજ આરતી, ભજન, અને યજ્ઞ જેવી ધાર્મિક પ્રવૃત્તિઓથી ભક્તિભાવભર્યું વાતાવરણ ઉભું થાય છે.