Thursday, Dec 18, 2025

સુરત સાયબર ક્રાઈમે મ્યાનમારમાં માનવ તસ્કરી કરનારી ગેંગનો પર્દાફાશ, 3 લોકોની ધરપકડ

2 Min Read

સુરત સહિત દેશના અનેક રાજ્યોના લગભગ 40 યુવાનોને નોકરીની લાલચ આપીને મ્યાનમારમાં બંધક બનાવવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સુરત સાયબર ક્રાઈમની ટીમે એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીના બહાને યુવાનોને ફસાવવામાં આવતા હતા. ત્યારબાદ તેમને કપટપૂર્વક નદી માર્ગે બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર મોકલવામાં આવતા હતા, જ્યાં તેમને એક ચાઈનીઝ ગેંગને સોંપી દેવાયા હતા.

આ ગેંગ યુવાનોને ગેરકાયદેસર કોલ સેન્ટરમાં ગોંધી રાખીને તેમની પાસે ફેક આઈડી દ્વારા ભારત અને વિદેશમાં રોકાણના નામે ઓનલાઈન ઠગાઈ કરાવતી હતી.

આ સમગ્ર રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ 12 લોકોની સંડોવણી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સુરત સાયબર ક્રાઈમે આ મામલે કાર્યવાહી કરતાં પંજાબના બે અને સુરતના એક મળીને કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં નીપેન્દર ઉર્ફે નીરવ ચૌધરી અને પ્રીત કમાણી (બંને પંજાબના) અને વિઝા એજન્ટ આશિષ રાણા (સુરત)નો સમાવેશ થાય છે. આરોપીઓ યુવાનોને વિદેશ મોકલવા માટે પ્રતિ વ્યક્તિ રૂપિયા 40 થી 50 હજાર કમિશન લેતા હતા. આ રેકેટ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યું હોવાનું પણ જણાયું છે.

સુરત સાયબર ક્રાઈમને મળેલ બાતમીના આધારે પોલીસે પંજાબના પટિયાલામાં દરોડો પાડીને બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછમાં એ વાત સામે આવી કે યુવાનોને થાઈલેન્ડ લઈ જઈ ત્યાંથી નદી પાર કરાવી ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં આવતા હતા, જ્યાં તેમની પાસે સાયબર ફ્રોડ કરાવવામાં આવતું. જો કોઈ યુવાન કામ ન કરે તો તેને બીજા યુવાનને લાવવાની ફરજ પાડવામાં આવતી હતી. હાલ પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે, જેથી આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પણ ઝડપી શકાય. આ ઘટનાએ વિદેશમાં નોકરીની લાલચ આપતા એજન્ટોના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.

Share This Article