Monday, Dec 8, 2025

સુરતની નેશનલ રનર વિધિનું કરુણ મોત

2 Min Read

સુરત શહેર આજે એક હૃદયદ્રાવક ઘટના સાથે હચમચી ઉઠ્યું. પનાસ વિસ્તારમાં સવારે નેશનલ લેવલ રનર વિધિ સંતોષભાઈ કદમ  ને સુરત મહાનગરપાલિકાની કચરાની ગાડીએ અડફેટે લેતાં ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત થયું. વિધિ મોપેડ પર ભટાર જિમ જતી હતી ત્યારે પનાસ કેનાલ રોડ પર પાલિકાની ટેમ્પોએ ટક્કર મારી હતી. માથામાં ગંભીર ઈજા થતાં તેને ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી, પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.

વિધિ મૂળ મહારાષ્ટ્રની હોવા છતાં પનાસ ગામે પરિવાર સાથે રહેતી હતી. પિતા સિલાઈકામ કરે છે અને ભાઈ ફૂડ કોર્ટ ચલાવી પરિવારમાં સહયોગ આપી રહ્યો છે. હાલ તે બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી તથા નેશનલ લેવલની દોડમાં અનેક એવોર્ડ મેળવી ચૂકી હતી. થોડા સમયમાં ભોપાલમાં યોજાનારી નેશનલ ચેમ્પિયનશિપ માટે તે તૈયારી કરી રહી હતી.આ ઘટનાની ગંભીરતા એ છે કે અકસ્માત કરનાર ડ્રાઇવર પાસે પાકું લાઇસન્સ નહોતું. તે માત્ર લર્નિંગ લાઇસન્સ પર જ મનપાનો ટેમ્પો ચલાવી રહ્યો હતો. પોલીસે ડ્રાઇવર ગિરીશ અડડ (22)ને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિધિનું મોત પરિવાર માટે સૌથી મોટો આઘાત છે. એક જ દીકરી ગુમાવનાર માતા–પિતા હાલ શોકમગ્ન છે. પરિવારજનોએ જણાવ્યું કે આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિધિએ નાનપણથી જ દોડમાં રસ લઈને અનેક મેડલ મેળવ્યા હતા, પરંતુ એક બેદરકારીના કારણે એક તેજસ્વી ખેલાડીનું ભવિષ્ય અધૂરું રહી ગયું.

 

Share This Article