વડાપ્રધાન મોદી જાપાનના 2 દિવસીય પ્રવાસે છે. આજે વડાપ્રધાન મોદીએ ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લીધો. આ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ સૂચક સંબોધન કર્યુ. વડાપ્રધાન મોદીએ જાપાની મેન્યુફેક્ચર્સને ‘મેક ઈન ઈન્ડિયા’ માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે, જાપાન હંમેશા ભારતની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે.
વડાપ્રધાન મોદી જાપાન પ્રવાસ દરમિયાન સૂચક સંબોધન
આજે વડાપ્રધાન મોદીએ ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લીધો. આ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ સૂચક સંબોધન કર્યુ. વડાપ્રધાન મોદીએ જાપાની મેન્યુફેક્ચર્સને ‘મેક ઈન ઈન્ડિયા’ માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારતે વ્યાપાર કરવાની સરળતા પર ખાસ ભાર મૂક્યો છે અને વ્યવસાય માટે સિંગલ ડિજિટલ વિન્ડો મંજૂરીની સિસ્ટમ લાગુ કરી છે. S&P ગ્લોબલે 2 દાયકા બાદ ભારતનું ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કર્યુ છે. ઓટો ક્ષેત્રમાં ભારતની ભાગીદારી ખૂબ જ સફળ રહી છે અને હવે બેટરી, રોબોટિક્સ, સેમિકન્ડક્ટર, શિપ-બિલ્ડિંગ અને પરમાણુ ઊર્જા જેવા ક્ષેત્રોમાં પણ આ જ સફળતાનું પુનરાવર્તન થઈ શકે છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને જાપાન સાથે મળીને ગ્લોબલ સાઉથ, ખાસ કરીને આફ્રિકાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
જાપાન માટે ભારત ગ્લોબલ સાઉથનું સ્પ્રિંગબોર્ડ
ટોક્યોમાં ભારત-જાપાન વાર્ષિક શિખરને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત અને જાપાન વચ્ચેની ભાગીદારી વ્યૂહાત્મક છે. આર્થિક તર્કથી પ્રેરિત થઈને બંને દેશોએ સહિયારા હિતોને સહિયારી સમૃદ્ધિમાં પરિવર્તિત કર્યા છે. ભારત જાપાની વ્યવસાય માટે ગ્લોબલ સાઉથનું સ્પ્રિંગબોર્ડ છે. બંને દેશો સાથે મળીને સ્થિરતા, વિકાસ અને સમૃદ્ધિને દિશા આપશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતે AI, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, બાયોટેક અને અવકાશ જેવા ક્ષેત્રોમાં સાહસિક અને મહત્વાકાંક્ષી પગલાં લીધાં છે. જાપાનની ટેકનોલોજી અને ભારતની પ્રતિભા મળીને આ સદીની ટેકનોલોજીકલ ક્રાંતિનું નેતૃત્વ કરી શકે છે. બંને દેશોએ સ્વચ્છ ઈંધણ અને ગ્રીન ફ્યુચર પર સંયુક્ત ક્રેડિટ મિકેનિઝમ કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે. જાપાનની શ્રેષ્ઠતા અને ભારતનો સ્કેલ મળીને એક આદર્શ ભાગીદારી બનાવી શકે છે.
ભારતમાં પરિવર્તન પાછળનો અભિગમ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતમાં પરિવર્તન પાછળ આપણો અભિગમ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ છે. સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રો પછી અમે હવે ખાનગી કંપનીઓ માટે પરમાણુ ઊર્જા ક્ષેત્ર ખોલી રહ્યા છીએ. આજે દુનિયા ફક્ત ભારત તરફ જ જોતી જ નથી પરંતુ ભારત પર વિશ્વાસ પણ કરી રહી છે. આજે મેટ્રોથી મેન્યુફેકચરિંગ સુધી, સેમિકન્ડક્ટરથી સ્ટાર્ટઅપ્સ સુધી જાપાન અને ભારત વચ્ચેની ભાગીદારી પરસ્પર વિશ્વાસનું પ્રતીક બની ગઈ છે અને જાપાની કંપનીઓએ ભારતમાં $40 બિલિયનથી વધુનું રોકાણ કર્યુ છે.