Friday, Oct 31, 2025

પીએમ મોદીના અપમાન મામલે પટનામાં ભાજપનો ઉગ્ર વિરોધ, પોલીસ રફીક ઉર્ફ રાજાની ધરપકડ કરી

2 Min Read

બિહારના દરભંગામાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ની સંયુક્ત રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ થયો હતો. જેને લઈ વિવાદ વકરી રહ્યો છે. ભાજપના કાર્યકર્તા અને નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે 29 ઓગસ્ટ એટલે કે આજે ભાજપના કાર્યકરોએ પટનામાં કોંગ્રેસના કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાએ રાજકીય વાતાવરણને ગરમાવ્યું છે

બિહારના દરભંગામાં કોંગ્રેસના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભાજપના નેતાઓએ મોરચો ખોલી દીધો હતો. આ મામલે દરભંગા તેમજ પટણાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. હવે દરભંગામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

દરભંગાના એસએસપી જગુનાથ રેડ્ડીએ ધરપકડની પુષ્ટિ કરી છે. આ કેસમાં દરભંગાના સિમરી પોલીસ સ્ટેશનમાં કેસ નંબર 243/25 નોંધવામાં આવ્યો હતો. ભાજપના દરભંગા જિલ્લા પ્રમુખે સિમરી પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી હતી. દુર્વ્યવહાર કરનાર વ્યક્તિનું નામ રિઝવી ઉર્ફે રાજા જણાવવામાં આવી રહ્યું છે. તેનું નામ રફીક પણ જણાવવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાની ટીકા કરતાં સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કોંગ્રેસ અને આરજેડીની આ અભદ્ર ભાષા લોકશાહીને કલંકિત કરે છે. તેમણે રાહુલ ગાંધીની રાજનીતિને નીચા સ્તરની ગણાવી અને કહ્યું કે સામાન્ય પરિવારમાંથી આવતા મોદીને કોંગ્રેસ સહન નથી કરી શકતી.

અમિત શાહે આ ઘટનાને દરેક માતા અને દીકરાનું અપમાન ગણાવ્યું, જેના માટે દેશના 140 કરોડ લોકો કોંગ્રેસને માફ નહીં કરે એવો દાવો કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે ગાંધી પરિવારે મોદી વિરુદ્ધ નફરત ફેલાવવાનું ચાલુ રાખ્યું છે. આ ઘટનાએ બિહારના રાજકીય વાતાવરણને વધુ તંગ બનાવ્યું છે, અને સોશિયલ મીડિયા પર આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના રાજકીય સંસ્કૃતિમાં શબ્દોના ઉપયોગ અને મર્યાદા પર નવી ચર્ચા ઉભી કરે છે.

Share This Article