Thursday, Oct 23, 2025

અમદાવાદ એરપોર્ટ પર 4 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો જપ્ત,બે લોકોની ધરપકડ

1 Min Read

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CID ક્રાઇમ અને નાર્કોટિક્સ કંટ્રોલ સેલ દ્વારા સંયુક્ત કામગીરીમાં 4 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં બે આરોપીઓ, સિમોન બિલિયમ અને નિતેશ્વરી રતનલાલની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આ ગેરકાયદેસર ડ્રગ્સની દાણચોરીમાં સામેલ હતા. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ અને નાર્કોટિક્સ સેલને બાતમી મળી હતી કે બેંગકોકથી આવતી ફ્લાઇટમાં ગેરકાયદેસર ડ્રગ્સની મોટી માત્રામાં દાણચોરી કરવામાં આવી રહી છે.

આ માહિતીના આધારે, CID ક્રાઇમઅને નાર્કોટિક્સ સેલની ટીમે એરપોર્ટ પર સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. બે શંકાસ્પદ મુસાફરો, સિમોન બિલિયમ અને નિતેશ્વરી રતનલાલની બેગની તપાસ કરતી વખતે, અધિકારીઓને હવાચુસ્ત બેગમાં છુપાવેલ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો. આ ગાંજો બેંગકોકથી ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત આશરે 4 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

આરોપી હવાચુસ્ત બેગમાં ડ્રગ્સની દાણચોરી એવી રીતે કરતા હતા કે કોઈને કોઈ શંકા ન થાય. આવી બેગનો ખાસ ઉપયોગ ડ્રગ્સની ગંધને નિયંત્રિત કરવા અને તપાસ દરમિયાન શંકા ટાળવા માટે કરવામાં આવે છે. જોકે, અધિકારીઓની સતર્કતા અને અદ્યતન સ્કેનિંગ ટેકનોલોજીના કારણે, આ રેકેટનો પર્દાફાશ થયો હતો. આરોપીઓએ આ ડ્રગ્સ બેંગકોકથી લાવવાની અને ભારતના વિવિધ શહેરોમાં વેચવાની યોજના બનાવી હતી. જપ્ત કરાયેલ હાઇબ્રિડ ગાંજાને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો છે.

Share This Article