Friday, Oct 24, 2025

જમ્મુ-કાશ્મીરમાં સદીનો બીજો સૌથી ભારે વરસાદ, 3500થી વધુ લોકોનું રેસ્ક્યુ, જનજીવન ઠપ

3 Min Read

જમ્મુ-કાશ્મીરના કટરામાં અર્ધકુંવારી પાસે માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભારે વરસાદ વચ્ચે થયેલા ભયંકર ભૂસ્ખલનમાં અત્યાર સુધી 34 લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. કાટમાળમાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા વચ્ચે રેસ્ક્યુ ટીમો સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. તેવામાં ઝેલમ નદી ખતરના નિશાનથી ઉપર વહી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે, જેને કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનની પરિસ્થિતિ ઊભી થઈ છે. જમ્મુમાં મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું, પૂલ તૂટી ગયા અને વીજળીની લાઇન તથા મોબાઇલ ટાવર ખરાબ રીતે નુકસાનગ્રસ્ત થયા છે. સતત વરસાદને કારણે આખા જિલ્લામાં અચાનક પૂર અને જળભરાવ પછી અત્યાર સુધીમાં 3500થી વધુ રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.

જમ્મુમાં છેલ્લા 24 કલાકમાં 296.0 મિમી વરસાદ નોંધાયો, જેનાથી નવ ઓગસ્ટ 1973નો 272.6 મિમીનો રેકોર્ડ તૂટી ગયો. ઉધમપુરમાં આ જ સમયગાળામાં 629.4 મિમી વરસાદ પડ્યો હતો, જે 31 જુલાઈ 2019એ 24 કલાકમાં નોંધાયેલા અગાઉના રેકોર્ડ 342.0 મિમીથી લગભગ બમણો છે.

45 વિધાર્થીને એસડીઆરએફ ટીમે બચાવ્યા
અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિગ્રેટેડ મેડિસિનના ઓછામાં ઓછા 45 વિધાર્થીઓને એસડીઆરએફ અને પોલીસ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. હોસ્ટેલ કેમ્પસનો ગ્રાઉન્ડ ફ્લોર પૂરના પાણીમાં ડૂબી ગયો હતો, જેના કારણે વિધાર્થીઓ ત્યાં ફસાયા હતા. સાત ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા હતા. એસડીઆરએફ અને પોલીસે પહોંચવા માટે હોડીઓનો ઉપયોગ કર્યો. બચાવ કામગીરી પાંચ કલાકથી વધુ સમય સુધી ચાલી. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ભારે વરસાદ વચ્ચે તમામ સંબંધિત વિભાગોને હાઇ એલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યો છે.

તમામ વિભાગો એલર્ટ મોડ પર
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તમામ સંબંધિત વિભાગોને ‘હાઇ એલર્ટ’ પર રહેવા નિર્દેશ આપ્યો છે. અબ્દુલ્લાએ 27 ઓગસ્ટ સુધી મધ્યમથી તીવ્ર વરસાદ, વાદળ ફાટવા, અચાનક પૂર અને ઊંચાઈવાળા વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતા સહિત હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવાની પણ સલાહ આપી છે. તેમણે કહ્યું કે ભારે વરસાદને કારણે ઘણા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને નદીઓ અને નાળા ભયના નિશાનથી ઉપર વહી રહ્યા છે.

અનેક રસ્તાઓ બંધ
ટ્રાફિક વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા રસ્તાઓ બંધ છે. 250 કિલોમીટર લાંબો જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને 434 કિલોમીટર લાંબો શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટ્રાફિક માટે ખુલ્લો છે. જમ્મુમાં પૂંછ અને રાજૌરીને દક્ષિણ કાશ્મીરના શોપિયા સાથે જોડતો મુઘલ રોડ અને જમ્મુમાં કિશ્તવાડ અને ડોડા જિલ્લાને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ સાથે જોડતો સિન્થન રોડ વિવિધ સ્થળોએ ભૂસ્ખલનને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કઠુઆ જિલ્લામાં ભારે વરસાદને કારણે સહાર ખાડ નાળામાં પાણી ભરાઈ જવાને કારણે જમ્મુ-પઠાણકોટ હાઇવે પર લોગાટ મોર નજીક એક પુલને નુકસાન થયું હતું.

Share This Article