અમદાવાદના નવા નરોડામાં સીતારામ ચોકમાં સ્લેબ ધરાશાયી થયો છે. સ્લેબ ધરાશાયી થતા 3 બાળક સહિત 10 લોકો પટકાયા છે. ગણેશ ભગવાનની સ્થાપના સમયે સ્લેબ ધરાશાયી થયો હતો. સ્લેબ ધરાશાયી થતાં દસથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
બાપા સીતારામ ચોક પાસે ગણેશ સ્થાપના દરમિયાન દુર્ઘટના બની
શહેરના નવા નરોડા વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે ગણેશ સ્થાપના દરમિયાન દુર્ઘટના બની છે. 27 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં લોકો ભોયરામાં પટકાયા હતા. જેમાં ત્રણ બાળકો સહિત 10 લોકો નીચે પટકાયા હતા. સ્થાનિકો તથા ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા છે. કેટલાક લોકોને ગંભીર ઈજા થવાની માહિતી છે. ઘટનાસ્થળે ભીડ વધતાં પોલીસને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. સમયસર કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ શહેરના નવા નરોડા વિસ્તારમાં બાપા સીતારામ ચોક નજીક એક કોમ્પ્લેક્સ આવેલું છે. ગણેશ ચતુર્થી હોવાના કારણે ભગવાન ગણેશનું ત્યાં સ્થાપન કરવાનું હતું. મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ હતી. ભગવાન ગણેશની મોટી મૂર્તિ લાવવામાં આવી હતી અને ડીજે સાથે ભગવાન ગણેશનું સ્થાપન થવા જઈ રહ્યું હતું. તે દરમિયાનમાં જ અચાનક જ કોમ્પ્લેક્સના એક ભાગનો સ્લેબ ધારાશાયી થયો હતો. જે સીધો ભોંયરામાં પડ્યો હતો. ત્યાંથી ચાલીને જનારા 10 જેટલા લોકો સીધા ભોયરામાં પડ્યા હતા. નીચે પડેલા ભોંયરામાંથી બહાર પડેલા કેટલાક લોકો બહાર નીકળી ગયા હતા જ્યારે બે લોકોને સ્થાનિક લોકોએ કાટમાળ હટાવીને બહાર કાઢયા હતા.