સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના માર વચ્ચે વધુ એક ડાયમંડ કંપનીએ કારીગરોને છૂટા કર્યા છે. અમેરિકાએ જાહેર કરેલા વધુ ટેરિફના અમલની સાથે જ રત્નકલાકારો માટે આ માઠા સમાચાર સામે આવ્યા છે. સુરતના કતારગામની ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સ કંપનીએ કારીગરોને છૂટા કરવાની જાહેરાત કરી છે.
કંપનીએ અચાનક 80 જેટલા રત્નકલાકારોને છૂટા કર્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ક્રિસ ડિયામ જેમ્સના જુદા જુદા ડિપાર્ટમેન્ટના કારીગરોને છૂટા કરાયા છે. ક્રિસ ડીયામ વિદેશના વેપારીનું જોબ વર્કનું કામ કરતી હતી.
ટ્રમ્પના ટેરિફની ડાયમંડ ઉદ્યોગને કેવી રીતે અસર થશે?
સુરતના ડાયમંડ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત રહ્યાં છે. સામાન્યરીતે સમજીએ તો દુનિયામાં જો 12 ડાયમંડ કટિંગ થાય છે તો તેમાંથી 9 ડાયમંત્ર સુરતમાં કટિંગ થાય છે. જ્યારે વિશ્વમાં સૌથી વધારે જો કોઈ ડાયમંડની ખરીદી કરતો દેશ હોય તો તે અમેરિકા છે.
જેથી 50 ટકા ટેરિફની અસર સૌથી વધારે સુરતના ડાયમંડ ઉદ્યોગને થવાની છે. ડાયમંડ સાથે સાથે ટેક્સટાઇલ ઉદ્યોગ પણ એટલું જ પ્રભાવિત થવાનું છે. સુરતના ડાયમંડ વેપારીઓએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે.
એટલું જ નહીં પરંતુ અમેરિકામાં હીરાના વેપારીઓએ ડોલાન્ડ ટ્રમ્પને વિનંતી કરી છે કે, ડાયમંડ પર ટેરિફ ના લગાવવામાં આવે અને જો લગાવે છે તે તેના દરમાં ઘટાડો કરવામાં આવે. ત્યાંના વેપારીઓને ડર એવો પણ છે કે, ટેરિફની અસર ભારત કરતા વધારે અમેરિકાને થવાની છે.