Sunday, Sep 14, 2025

સંસદ ભવનની સુરક્ષામાં ફરી મોટી ચૂક, એક શખ્સ દિવાલ કૂદીને પરિસરમાં અંદર ઘૂસી ગયો

2 Min Read

સંસદનું ચોમાસું સત્ર હાજુ ગઈ કાલે જ સમાપ્ત થયું, આજે શુક્રવારે સંસદ ભવનની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. અહેવાલ મુજબ એક શખ્સ ભવનની દિવાલ કૂદીને પરિસરમાં ઘૂસી ગયો હતો. હાલ શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

અહેવાલ મુજબ સવારે સાડા છ વાગ્યે આ ઘટના બની હતી. એક શખ્સ સંસદના ગરુડ દ્વાર સુધી પહોંચી ગયો હતો, હાજર સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો હતો. આરોપી ઝાડની મદદથી દિવાલ પર ચડ્યો હતો. ઘુસણખોરની ઓળખ કરવામાં આવીરહી છે. સંસદમાં ઘુસવા પાછળ શખ્સનો હેતુ શું હતો એ જાણી શકાયું નથી. તેને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે 21 જુલાઈથી શરૂ થયેલું સંસદનું ચોમાસુ સત્ર હજુ ગઈ કાલે ગુરુવારે સમાપ્ત થયું. 32 દિવસ સુધી ચાલેલા આ સત્રમાં કુલ 21 બેઠકો યોજાઈ હતી. સરકારે આ સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે, આ સાથે વિપક્ષનો ભારે હોબાળો જોવા મળ્યો હતો.

અગાઉ પણ સંસદની સુરક્ષામાં ચૂક થઈ હતી. સંસદ ભવન પર આતંકવાદી હુમલાની વર્ષગાંઠના દિવસે 13 ડિસેમ્બર 2023ના રોજ લોકોએ લોકસભા ગૃહમાં ઘૂસી ગયા હતાં અને પીળો ધુમાડો છોડ્યો હતો. તેમણે લોકસભા અને સંસદ પરિસરમાં ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તમામની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી, જો કે બાદમાં હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતાં.

Share This Article