Thursday, Oct 23, 2025

મેઘરાજાનું તાંડવ: મેંદરડામાં 24 કલાકમાં 12.56 ઇંચ વરસાદ, જૂનાગઢમાં પાણીમાં ગરકાવ

2 Min Read

ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે જુનાગઢ જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ ચાલી રહી છે. આજે બુધવારે વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મેંદરડા તાલુકામાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી જ મેંદરડામાં વરસાદે ધબધબાટી બોલાવી છે. મેંદરડામાં 6 કલાકમાં 12.56 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 20 ઓગસ્ટ 2025, બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા વચ્ચે ચાર કલાકના સમયમાં 110 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 12.56 ઈંચ એટલે આશરે 13 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં રેડ એલર્ટ, રાજકોટ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ગુજરાત પર એક સાથે પાંચ પાંચ સિસ્ટમો સક્રિય થવાના કારણે આજે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી સૌરાષ્ટ્રભરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અનેક ગામો બેટમાં ફેરવાય ગયા છે. ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. જળાશયો છલકાય રહ્યા છે.

આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના 168 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ 11 ઇંચ સુધી વરસાદ પડયો હતો. આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જયારે રાજકોટ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડએલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, દાહોદ, પંચમહાલ, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ હતું જો કે 10 વાગ્યા બાદ મેઘરાજાનું આગમન થયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Share This Article