તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગોલણ ગામમાં આજે ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. ઉકાઈ ડેમમાં 1500 મેગાવોટના સોલર પ્રોજેક્ટ માટે સર્વે અને માપણી કરવા ગયેલી સરકારી ટીમનો સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો, જેના પરિણામે હિંસા ફાટી નીકળી.
અંદાજે 400 લોકોના ટોળાએ સર્વે ટીમને કામ કરતા અટકાવ્યા અને વિરોધ ઉગ્ર બનતાં પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ટોળા પાસે પથ્થર, લાકડાં અને દાતરડાં જેવાં હથિયારો પણ હતાં. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જં કર્યો અને ટીયર ગેસના 12 શેલ છોડ્યા હતા અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. ઉગ્ર વિરોધને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી બંધ કરી દીધી છે. પોલીસે આ ગંભીર બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.