મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં નેવાસા ફાટા ખાતે આવેલી, એક ફર્નિચરની દુકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. અહિલ્યાનગર પોલીસની ટીમ અહીં આગ લાગવાના કારણની તપાસ કરી રહી છે.
ઘટનાની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે,” ગઈકાલે રાત્રે લગભગ 1 વાગ્યે અહિલ્યાનગરના નેવાસામાં, મયુર ફર્નિચર નામની દુકાનમાં આગ લાગી હતી. આ ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફર્નિચરની દુકાનમાં જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ પર ઝડપથી કાબુ મેળવી શકાયો ન હતો.
“આ કારણે દુકાનમાં સૂતા એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા. મૃતકોની ઓળખ મયુર અરુણ રસાને (45), પાયલ મયુર રસાને (38), અંશ મયુર રસાને (10), ચૈતન્ય મયુર રસાને (7) અને એક વૃદ્ધ મહિલા તરીકે થઈ છે. ફાયર બ્રિગેડની ટીમે આજે સવાર સુધીમાં આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે આગ લાગવાના કારણની તપાસ કરી રહી છે.