Wednesday, Nov 5, 2025

સુરતમાં ઇન્ડસ્ટ્રીઝ સંચાલક દ્વારા ગેરકાયદેસર ગેસ જોડાણથી 43.80 લાખની ચોરી, પોલીસે કરી ધરપકડ

1 Min Read

સુરત શહેરના ભાઠેના-આંજણા વિસ્તારમાં આવેલી એક ઇન્ડસ્ટ્રીઝના સંચાલકે ગુજરાત ગેસ કંપનીની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર રીતે ગેસનું જોડાણ લઈને કરોડોની ચોરી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે ઉદ્યોગના સંચાલક વિશાલ પટેલની ધરપકડ કરી છે. તેમની સામે રૂ. 43.80 લાખની ગેસ ચોરીની ફરિયાદ નોંધાઈ છે.

ગુજરાત ગેસ કંપનીના ડેપ્યુટી મેનેજર પ્રશાંત ઇન્દ્રવદન વ્યાસ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, વિશાલ મહેશકુમાર પટેલ ભાઠેના-આંજણામાં આવેલી ધન લક્ષ્‍મી ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 10 પર તપેલા ડાઇંગનો વ્યવસાય ચલાવે છે. 2007માં તેમણે કાયદેસર કોમર્શિયલ ગેસ કનેક્શન લીધું હતું, પરંતુ 2022માં ગેસ ચોરી પકડાતાં કંપનીએ તેમનું કનેક્શન કાપી નાખ્યું હતું.

જોકે, કનેક્શન કપાઈ ગયા બાદ પણ વિશાલે ગુપ્ત રીતે ચોરી ચાલુ રાખી હતી. તેમણે કંપનીની જાણ બહાર જ મુખ્ય ગેસ લાઈન કાપીને તેમાં ‘T’ લગાવીને બારોબાર સપ્લાઈ મેળવવાનું શરૂ કરી દીધું હતું. આ ગેરકાયદેસર જોડાણથી તેઓ પોતાનો ઉદ્યોગ ચલાવતા હતા. કંપની દ્વારા હાથ ધરાયેલી તપાસમાં આ મોટો ભાંડો ફૂટ્યો હતો.

કંપનીના અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે જીવંત લાઈનમાં કાપ મૂકીને જોડાણ કરવું અત્યંત જોખમી છે અને તે કોઈ સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી. આ રીતે ચોક્કસાઈપૂર્વક જોડાણ કરવા પાછળ ગેસ લાઈનના કોઈ જાણકાર કર્મચારીની મદદ હોઈ શકે છે. આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

Share This Article