અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ અનેક વખત ટેકનિકલ કારણોને કારણે આ કંપનીની ફ્લાઈટો રદ કરવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. કચ્છમાં ભુજ એરપોર્ટથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકનિકલ કારણોને કારણે રદ થતાં મુસાફરો રઝળી પડ્યા હતાં.
ટેકનિકલ ખામી હતી તો મુસાફરોનો જીવ કેમ જોખમમાં મૂક્યો?
અંતરંગ સૂત્રોમાંથી મળેલી માહિતી અનુસાર, 13મી ઓગસ્ટ, બુધવારે સવારે એર ઇન્ડિયાનું વિમાન ભુજ મોડું પહોંચ્યું હતું. જેના કારણોમાં એમ જાણવા મળ્યું હતું કે, આ વિમાનમાં તકનીકી ખામી હતી. કેટલાકે એવા સવાલ ઉઠાવ્યા હતા કે, ટેકનિકલ કારણોસર જો મોડું પ્લેન આવ્યું હોય તો શા માટે મુંબઇથી ઉડાન ભરાવી હતી. મુસાફરોનો જીવ શા માટે જોખમમાં મૂકાયો.
ભુજથી ફ્લાઇટ કેન્સલ કરાઇ: મુસાફરો મુશ્કેલીમાં
દરમિયાન, સવારે 8.30 બદલે 9.30 વાગ્યે ભુજ પહોંચ્યા બાદ આ વિમાન મુંબઇ જવા માટે કેન્સલ કરવામાં આવી હોવાની જાહેરાત કરાઇ હતી. વિમાનની રાહ જોઇ બેઠેલા 182 મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જો તકનિકી કારણોસર કેન્સલ કરવામાં આવ્યું હોય તો હવે મુંબઇ સુધીની મુસાફરી કેવી રીતે કરવી એ સવાલ સામે આવ્યા હતા. મોંઘા ભાડા ખર્ચીને રાજકોટ સહિતના સેન્ટર સુધી જવાનો કેટલાક મુસાફરોને વારો આવ્યો હોવાની ફરિયાદ સામે આવી છે.