સ્પેનના પ્રખ્યાત ટાપુ ઇબિઝા નજીક એક વિશાળ અને મોંઘી યાટ (સુપર યાટ) માં આગ લાગી. આગ એટલી ભયંકર હતી કે તેને કાબુમાં લઈ શકાયો નહીં અને અંતે તે સમુદ્રમાં ડૂબી ગઈ.સ્પેનની બચાવ ટીમ દ્વારા બહાર પાડવામાં આવેલા હૃદયદ્રાવક વીડિયોમાં, આ યાટ આગની જ્વાળાઓમાં લપેટાયેલી જોવા મળે છે. ઘેરા ભૂરા ધુમાડાનો એક વિશાળ વાદળ આકાશમાં ઉછળતો જોવા મળે છે.
સ્પેનની દરિયાઈ બચાવ એજન્સી, સાલ્વામેન્ટો મારિટીમોએ જણાવ્યું હતું કે યાટ પરના તમામ સાત ક્રૂ સભ્યોને “સુરક્ષિત” રીતે બચાવી લેવામાં આવ્યા હતા. દા વિન્સી નામની આ યાટ, જ્યારે અકસ્માત થયો ત્યારે ઇબિઝા નજીક એક નાના ટાપુ, ફોર્મેંટેરાથી 7.3 માઇલ (લગભગ 11.7 કિલોમીટર) દૂર હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં એજન્સીએ જણાવ્યું હતું કે: “CCS પાલ્માએ બચાવ જહાજો ગાર્ડામર કોન્સેપ્સિયન એરેનલ અને સાલ્વામર નાઓસને ઘટનાસ્થળે મોકલ્યા હતા, જેમાં અગ્નિશામકોને પણ લઈ જવામાં આવ્યા હતા. નાઓસ જહાજ દ્વારા સાત ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગ પર કાબુ મેળવી શકાયો ન હતો અને આખરે યાટ ડૂબી ગઈ હતી. ગાર્ડામર જહાજ હજુ પણ ઘટનાસ્થળે પહોંચીને વિસ્તારમાં કાટમાળ સાફ કરી રહ્યું છે.”