રાજસ્થાનના દૌસા જિલ્લામાં ગંભીર રોડ અકસ્માત સર્જાયો છે. ખાટુ શ્યામજી અને સાલાસર બાલાજીના દર્શન કરીને પોતાના વતન ઉત્તર પ્રદેશ પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની પિકઅપ ગાડી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયંકર અકસ્માતમાં કુલ 11 લોકોના કરુણ મોત થયા છે, જેમાં 7 માસૂમ બાળકો અને 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
આ દુર્ઘટનામાં 8 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. તેમાંથી અનેક લોકોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.પિકઅપ ગાડીના ફુરચા ઉડી ગયા.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, તમામ મૃતકો અને ઈજાગ્રસ્તો ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેઓએ જોરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો અને ત્યારબાદ ચીસો સંભળાવા લાગી. અકસ્માત એટલો ભયાનક હતો કે પિકઅપ ગાડીના સંપૂર્ણપણે ફુરચા ઉડી ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને આ ઘટનાની જાણ કરી અને રાહત તથા બચાવ કામગીરીમાં પોલીસને મદદ કરી હતી. પિકઅપમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા અને એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
પોલીસે જણાવ્યું છે કે તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.. હાલ અકસ્માત કયા કારણોસર થયો અને ભૂલ કોની હતી, તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને દુર્ઘટનાનો ભોગ બનેલા ઈજાગ્રસ્તોના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.