અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. આ વખતે અમેરિકાના ટેક્સાસ રાજ્યની રાજધાની ઓસ્ટિનમાં ગોળીબાર થયો હતો. અહીં એક બંદૂકધારીએ ‘ટાર્ગેટ’ કંપનીના સ્ટોરના પાર્કિંગ વિસ્તારમાં ગોળીબાર કરીને 2 પુખ્ત વયના અને એક બાળકની હત્યા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાને અંજામ આપ્યા પછી આરોપી ચોરાયેલી કારમાં ભાગી ગયો હતો પરંતુ પોલીસે તેને પકડી લીધો છે.
ઑસ્ટિન પોલીસ ચીફ લિસા ડેવિસે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિ 30 વર્ષની ઉંમરનો છે અને તેને ‘માનસિક બીમારીનો ઇતિહાસ’ છે. પોલીસ હજુ પણ હુમલા પાછળનો હેતુ શોધવાનો પ્રયાસ કરી રહી છે. ડેવિસના જણાવ્યા મુજબ, આરોપી પહેલા ચોરીની કારમાં ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, પરંતુ તે કાર ક્રેશ થઈ ગઈ હતી. આ પછી, તેણે બીજી કાર ચોરી લીધી. તે દક્ષિણ ઑસ્ટિનમાં લગભગ 30 કિલોમીટર દૂર પકડાઈ ગયો.
લિસા ડેવિસે જણાવ્યું હતું કે પોલીસને બપોરે માહિતી મળી હતી અને જ્યારે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે પાર્કિંગ વિસ્તારમાં ત્રણ લોકો ગોળીબારથી ઘાયલ મળી આવ્યા હતા. આ લોકોમાંથી એક એ જ વ્યક્તિ હતો જેની કાર પાર્કિંગ વિસ્તારમાંથી ચોરાઈ ગઈ હતી. ‘ઓસ્ટિન-ટ્રેવિસ કાઉન્ટી ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ’ અનુસાર, એક પુખ્ત અને એક બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક પુખ્ત વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ગોળીબારના 2 અઠવાડિયા પહેલા, મિશિગનમાં વોલમાર્ટ સ્ટોરમાં પણ આવો જ હુમલો થયો હતો.