
પાકિસ્તાન આર્મી ચીફનો ભારતને ખુલ્લો પડકાર: “જામનગર રિફાઇનરી અમારા નિશાને છે”
અમેરિકાના ફ્લોરિડામાં પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફરી એકવાર ભારત વિરુદ્ધ આક્રમક ભાષા વાપરી છે. તાજેતરના ભાષણમાં તેમણે સીધો મુકેશ અંબાણી અને જામનગર સ્થિત રિલાયન્સ રિફાઇનરીને ટાર્ગેટ કરવાની ધમકી આપી.
મુનીરે સંકેત આપ્યો કે જો ભવિષ્યમાં “ઓપરેશન સિંદૂર” જેવી લશ્કરી સ્થિતિ ઊભી થાય, તો ગુજરાતની જામનગર રિફાઇનરી પ્રથમ નિશાન બનશે. વિશ્વનું સૌથી મોટું સિંગલ-સાઇટ રિફાઇનિંગ કોમ્પ્લેક્સ ગણાતી આ રિફાઇનરી દેશની ઊર્જા જરૂરિયાતો પૂરી પાડવામાં અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેની વાર્ષિક ક્ષમતા ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતાના 12% બરાબર છે.
ભાષણ દરમિયાન મુનીરે કુરાનના સૂરા અલ-ફીલનો ઉલ્લેખ કર્યો, જેમાં 570 ઈસવીના ‘હાથીના વર્ષ’ની ઘટના વર્ણવાય છે—અને તેને આધુનિક યુદ્ધમાં હવાઈ હુમલાની ઉપમા તરીકે રજૂ કરી. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ નિવેદન માત્ર ધાર્મિક સંકેત નહીં પરંતુ વ્યૂહાત્મક ચેતવણી પણ છે.
મુનીરે માત્ર આર્થિક સ્થાપનો નહીં, પણ સિંધુ નદી પર ભારત ડૅમ બાંધશે તો એને 10 મિસાઇલથી નષ્ટ કરવાની પણ ધમકી આપી. “જો યુદ્ધમાં પાકિસ્તાનનું અસ્તિત્વ જોખમમાં મુકાયું, તો અમે અડધી દુનિયાને સાથે લઈને ડૂબીશું,” એમ તેમણે કહ્યું.
ભારત તરફથી અત્યાર સુધી આ નિવેદન પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ગુપ્તચર એજન્સીઓ પહેલાંથી જ જામનગર સહિતના વ્યૂહાત્મક સ્થળો પર સંભવિત ખતરા અંગે ચેતવણી આપી ચૂક્યાં છે.