Thursday, Oct 23, 2025

કુંડેશ્વર મહાદેવ લઈ જતા યાત્રાળુઓનો ટ્રક ખબકતા 10 મહિલાના મોત, 27 ઘાયલ

2 Min Read

શ્રાવણ માસના પવિત્ર સોમવારે (11 ઑગસ્ટ) કુંડેશ્વર મહાદેવના દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે આ દિવસ દુ:ખદ સાબિત થયો. પુણે નજીક ખેડ તાલુકાના પૈત ગામ પાસે શ્રદ્ધાળુઓને લઈ જતો એક ઓવરલોડેડ પિકઅપ ટ્રક 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો, જેના કારણે દસ મહિલાઓના કરુણ મોત થયા છે અને બે પુરુષો અને બે બાળકો સહિત 27 અન્ય લોકો ઘાયલ થયા છે.

આ ઘટના સોમવારે બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. શ્રાવણી સોમવાર હોવાથી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ હતી.

અકસ્માત અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, આ પિકઅપ ટ્રકમાં પાપલવાડી ગામના 35થી વધુ લોકો સવાર હતા. મંદિર ટેકરી પર આવેલું હોવાથી રસ્તો ઢાળવાળો અને સાંકડો છે. વાહન ચઢાણ ચડી રહ્યું હતું ત્યારે સામેથી આવતા વાહનને રસ્તો આપવા માટે ડ્રાઇવરે ટ્રક ઊભો રાખ્યો હતો. પરંતુ ટ્રક ઓવરલોડેડ હોવાથી તે ફરીથી ગતિ પકડી શક્યો નહીં અને પાછળની તરફ લપસીને ઊંડા ખાડામાં પડી ગયો હતો. મૃતકોમાં મંદાબાઈ દરેકર (50), સનાબાઈ દરેકર (50), મીરાબાઈ ચોરઘે (50), શોભા પાપલ (33), સુમન પાપલ (50), શકુબાઈ ચોરઘે (50), શારદા ચોરઘે (45), બાયદાબાઈ ચોરઘે (45), પાર્વતીબાઈ પોપલ (56) અને ફસાબાઈ સાવંત (61) નો સમાવેશ થાય છે.

ઘટનાની જાણ થતાં જ પિંપરી ચિંચવડ પોલીસ અને પુણે ગ્રામીણ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવકાર્ય શરૂ કર્યું હતું. ઘાયલોને તાત્કાલિક નજીકની શિવતીર્થ અને ગાવડે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Share This Article