Friday, Oct 24, 2025

અમેરિકાથી 15 વર્ષમાં 15,000 ભારતીયોને પરત મોકલાયા, ગુજરાતીઓનો આંકડો જાણી ચોંકી જશો

3 Min Read

ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા બાદ સતત ચર્ચામાં રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં વાપસી બાદ અમેરિકાથી 1700થી વધુ ભારતીય નાગરિકોને પરત મોકલવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, તેમણે વોશિંગ્ટનને દેશનિકાલની સારવાર અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થી વિઝા મેળવવામાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (પીઆઈબી)ના જણાવ્યા અનુસાર વર્ષ 2009થી 2024 સુધીના 15 વર્ષમાં કુલ 15,564 ભારતીય નાગરિકોને ચાર્ટર્ડ અને કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા અમેરિકા માંથી દેશનિકાલ કરવામાં આવ્યા છે.

વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે 1 ઓગસ્ટના રોજ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ડીએમકે સાંસદ કનિમોઝી કરુણાનિધિ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલના લેખિત જવાબમાં કહ્યું હતું કે અમેરિકન સરકાર દ્વારા 20 જાન્યુઆરીથી 22 જુલાઈ વચ્ચે કુલ 1703 ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા, જેમા 1562 પુરુષો અને 141 મહિલાઓનો સમાવેશ થાય છે.

છેલ્લા 15 વર્ષમાં 15000થી વધુ ભારતીયો અમેરિકાથી ડિપોર્ટ

વર્ષ 2009થી 2024 દરમિયાન અમેરિકા માંથી કુલ 15,564 ભારતીય નાગરિકોનો દેશનિકાસ કરવામાં આવ્યા છે. જો રાજ્ય પ્રમાણ વાત કરીયે તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં પંજાબના લોકોની સંખ્યા સૌથી વધુ 620 છે. ત્યારબાદ 604 લોકો સાથે હરિયાણા બીજા ક્રમે અને 245 લોકો સાથે ગુજરાત ત્રીજા નંબરે છે.

15 વર્ષમાં અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોની સંખ્યા

ડિપોર્ટ કરવામાં આવેલાની સૌથી વધુ સંખ્યા પંજાબ (620)માંથી હતી, ત્યાર બાદ હરિયાણા (604) અને ગુજરાત (245)નો ક્રમ હતો. સરકારે જણાવ્યું કે 5, 15 અને 16 ફેબ્રુઆરીએ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (સૈન્ય) ઉડાનો મારફતે 333 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા. અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા સંચાલિત ત્રણ ચાર્ટર ફ્લાઇટ્સ મારફતે માર્ચ અને જૂનમાં 231 ભારતીયોને લાવવામાં આવ્યા, જ્યારે જુલાઈમાં હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ (DHS)ની ચાર્ટર ફ્લાઇટ્સ મારફતે 300 લોકોને પરત મોકલવામાં આવ્યા હતા.

વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભારત સરકારે અમેરિકામાં વિદ્યાર્થી વિઝા મુદ્દે અમેરિકી અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને અધિકારીઓએ સ્વીકાર્યું છે કે વિદ્યાર્થી વિઝા માટેની વધારાની સુરક્ષા જરૂરિયાતોને કારણે ભારતમાં અમેરિકન દૂતાવાસ અને કાઉન્સ્યુલેટ્સની વિઝા પ્રક્રિયા કરવાની ક્ષમતા ઘટી ગઈ છે. જોકે અધિકારીઓએ કહ્યું હતું કે વિદ્યાર્થી વિઝાની નિમણૂક હજી પણ ખુલ્લી છે. J-1 ફિઝિશિયન કેટેગરી માટે, અમેરિકાએ નિમણૂકોને પ્રાથમિકતા આપવા માટે સોફ્ટવેર આધારિત ઉકેલ શરૂ કર્યો છે અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને નિમણૂક મળી ગઈ છે.

તેમણે કહ્યું હતું કે, અમેરિકન દૂતાવાસ નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલાં ઓગસ્ટના અંત સુધીમાં મર્યાદિત સંખ્યામાં વધારાના વિદ્યાર્થી વિઝાની નિમણૂકો ખોલવા માટે કામ કરી રહ્યું છે. દૂતાવાસ દ્વારા વિલંબિત નિમણૂંકો અંગેની અનિશ્ચિતતાને ઘટાડવામાં મદદ રૂપ થવા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) સાથે વિદ્યાર્થી વિઝા ફેક્ટશીટ વિકસાવવામાં આવી રહી છે.

Share This Article