‘વોટ ચોરી’ વિવાદ વચ્ચે કોંગ્રેસના એક મંત્રીએ રાજીનામું આપી દીધું છે. કર્ણાટકના સહકાર મંત્રી કે.એન. રાજન્નાએ પોતાની જ પાર્ટી કોંગ્રેસ પર મત ચોરીનો આરોપ લગાવીને ટીકા કરીને રાજીનામું આપી દીધું છે. તેમણે રાહુલ ગાંધી પર મત ચોરીનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે પાર્ટી હાઇકમાન્ડે તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન મંત્રીએ રાજીનામું આપી દીધું. અને રાજીનામું આપ્યા બાદ પણ તેમણે રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યા.રાહુલ ગાંધીના આરોપ પર રાજન્નાએ આ વાત કહીરાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે આજે વિપક્ષે ચૂંટણીપંચ સામે મોરચો ખોલ્યો છે. ત્યારે કર્ણાટકના મંત્રી કે.એન. રાજન્નાએ કહ્યું છે કે, મતદાર યાદી તૈયાર કરાઈ ત્યારે કોંગ્રેસ સત્તામાં હતી. તો એ સમયે શું બધા આંખો બંધ કરીને ચૂપચાપ બેઠા હતા? ત્યારે પણ મતદાર યાદીમાં અનિયમિતતા સામે આવી હતી. એ સાચું છે અને ગેરરીતિઓ આપણી નજર સામે થઈ હતી, એટલે આપણને શરમ આવવી જોઈએ.કર્ણાટક મંત્રી રાજન્નાએ કહ્યું કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જ્યારે મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી, ત્યારે મહાદેવપુરામાં ખરેખર ગેરરીતિ થઈ હતી. એક વ્યક્તિ 3 અલગ અલગ જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલ હતો. અને પાછું તેણે ત્રણેય જગ્યાએ મતદાન પણ કર્યું હતું. જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર થાય ત્યારે વાંધો ઉઠાવવો. એ આપણી જવાબદારી છે. તે સમયે અમે ચૂપ રહ્યા હતા અને હવે હોબાળો મચાવી રહ્યા છીએ.