રાજ્યામાં અવાર નવાર ડુપ્લીકેટ વસ્તુઓ પકડાઈ રહી છે. લોકો ગમે તે વસ્તુની નકલ કરીને બસ પૈસા છાપવાના વિચાર સાથે અનેક ડુપ્લીકેટ વસ્તુઓ બનાવી રહ્યા છે. ત્યાર હવે સુરતમાંથી ડુપ્લીકેટ ઓઇલનું કારખાનું ઝડપાયું છે. આ કારખાનું છેલ્લા 1 વર્ષથી ધમધમી રહ્યું હતું, ત્યારે હવે સુરત ઝોન 1 LCBની ટીમે આ ડુપ્લીકેટ ઓઇલનું કારખાનું ઝડપી પાડ્યું છે.
સુરતના લસકાણા વિસ્તારમાં રેડ પાડવામાં આવી
ડુપ્લિકેશન માટે વરાછા, સરથાણા અને લસકાણા હબ બની રહ્યું છે, ત્યારે સુરત ઝોન 1 LCBની ટીમે સુરતના લસકાણા વિસ્તારમાં રેડ પાડીને આ એક વર્ષથી ચાલતા ડુપ્લીકેટ ઓઇલના કારખાનાને ઝડપી પાડ્યું છે. LCB ટીમે ડુપ્લીકેટ ઓઇલનું કારખાનું ચલાવનાર આરોપી નવનીતભાઈ જસમતભાઈ ઠુમ્મરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના નામે વેચતો હતો ઓઇલ
આરોપી નવનીત છેલ્લા 1 વર્ષથી આ કારખાનું ચલાવતો હતો અને અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના ઓઇલનું ડુપ્લીકેશન કરી સુરતના અલગ અલગ વિસ્તારોમાં વેચતો હતો. પોલીસે આરોપી પાસેથી જુદી-જુદી કંપનીઓના ડુપ્લીકેટ એન્જીન ઓઈલ સહિત કુલ રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથધરી છે.