કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે ફરી એકવાર ચૂંટણી પંચ પર ચૂંટણીમાં ગેરરીતિઓનો આરોપ લગાવતા હુમલો કર્યો. તેમણે પુરાવાનો દાવો કરતા કહ્યું કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગેરરીતિ કરવામાં આવી. એક્ઝિટ પોલ અને પરિણામો અલગ-અલગ હતા. મહારાષ્ટ્રમાં 40 લાખથી વધુ શંકાસ્પદ મતદારો હતા. ચૂંટણી પંચ આ લોકોને કેમ બચાવે છે? નકલી રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગત છે. ચૂંટણી પંચ ઇલેક્ટ્રોનિક મતદાન ડેટા કેમ આપતું નથી?
રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પરિણામો અંગે અમને શંકા હતી કારણ કે ભાજપ વિરુદ્ધ એન્ટી-ઇન્કમ્બન્સીની અસર દેખાતી હતી. ક્યારેક લાડલી બહેન, ક્યારેક પુલવામા અને હવે સિંદૂર… ઓપિનિયન પોલ અને પરિણામો અલગ-અલગ હતા!મહારાષ્ટ્રના પરિણામોએ મત ચોરીની શંકાને મજબૂત કરી કારણ કે પાંચ મહિનામાં પાંચ વર્ષ કરતાં વધુ મતદારો ઉમેરાયા. પાંચ વાગ્યા પછી મોટી સંખ્યામાં મતદાન થયું. આ અંગે અમે ચૂંટણી પંચ સમક્ષ વાત રજૂ કરી પરંતુ ચૂંટણી પંચ અમને ડિજિટલ મતદાર યાદી આપવાનો ઇનકાર કરે છે. ત્યારબાદ અમારી ટીમે છ મહિના સુધી દસ્તાવેજોની તપાસ કરી અને પછી અમે આ પુરાવા રજૂ કર્યા.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમારા આંતરિક સર્વેમાં કર્ણાટકમાં અમે 16 બેઠકો જીતી રહ્યા હતા, પરંતુ વાસ્તવમાં માત્ર 9 બેઠકો જીતી. જ્યારે અમે બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા બેઠકની તપાસ કરી તો જાણવા મળ્યું કે માત્ર એક વિધાનસભા બેઠક મહાદેવપુરામાં ભારે અંતરથી ભાજપે લોકસભા બેઠક જીતી. આ વિધાનસભા બેઠક પર એક લાખ નકલી મતદારો બનાવવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીએ રજૂ કરેલા પુરાવાના મુદ્દા
ડુપ્લિકેટ મતદારો: 11,965 – એક મતદાર ગુરકીરત સિંહ ડેંગે ચાર જગ્યાએ મતદાર કાર્ડ બનાવ્યા હતા. આદિત્ય શ્રીવાસ્તવ નામના એક મતદારે કર્ણાટક, મહારાષ્ટ્ર અને યુપીમાં મતદાર કાર્ડ બનાવ્યું હતું.
નકલી સરનામાં: 40,009 – ઘણા મતદાર કાર્ડ પર ઘણા હાઉસ નંબર શૂન્ય લખેલા હતા અને ઘણાના પિતાનું નામ વિચિત્ર હતું.
એક સરનામે ઘણા મતદારો: એક રૂમમાં 50-80 લોકોનું સરનામું નોંધાયેલું હતું. તપાસ દરમિયાન ધમકીઓ આપવામાં આવી. ફોટો વિના અથવા નાના ફોટોવાળા 4,132 મતદાર કાર્ડ મળી આવ્યા.
નવા મતદારો: 33,692 – તેમાં 70 વર્ષની એક મહિલાનું નામ બે જગ્યાએ હતું, અને તેણે બંને જગ્યાએ મત આપ્યો.