ઉત્તરાકાશીના ધારાલીમાં થયેલા કુદરતી વિનાશ બાદ અત્યારે યુદ્ધના ધોરણે રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે. 7 ટીમો રાત દિવસ કામગીરી કરી રહી છે. દુર્ઘટનાના દરેક સ્થળે 225 થી વધુ સૈનિકો ફરજ બજાવી રહ્યા છે. અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે જ્યારે હજૂ પણ 11 સૈનિકો સહિત 70 લોકો લાપતા છે. અત્યાર સુધીમાં 190 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
ભટવારીમાં ધોવાયેલ રસ્તો ખુલ્યો
ઉત્તરાકાશીના ભટવારીમાં વાદળ ફાટવાથી આખો રસ્તો ધોવાઈ ગયો હતો. જે આજે ખુલ્લો છે. આ માર્ગ શરુ થતા ધારાલી જવાનો રસ્તો શરુ થઈ ગયો છે. આ રસ્તો શરુ થતાં રાહત અને બચાવ કામગીરી ઝડપી બની છે. અગાઉ રસ્તો બંધ થવાને કારણે હેલિકોપ્ટર દ્વારા બચાવ એકમાત્ર વિકલ્પ હતો. ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. જો કે ભટવારીમાં પડેલી તિરાડને સુધારવામાં મોટી સફળતા મળતા હવે જમીની માર્ગેથી રાહત અને બચાવકાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે.
આજે ધારાલી અને હર્ષિલમાં રાહત અને બચાવ કાર્યનો બીજો દિવસ છે. રસ્તો ખુલતા હવે ધારાલી અને હર્ષિલ પહોંચવું શક્ય બન્યું છે. ઉલ્લેખનીય છે કે ભટવારીમાં હાઈવે ધોવાઈ ગયો હતો. ભારતીય સેનાની 7 ટીમો સતત મોરચા પર તૈનાત છે. રાહત અને બચાવમાં 225 થી વધુ સૈનિકો ફરજ બજાવી રહ્યા છે. રાહતના સમાચાર એ છે કે હર્ષિલનું લશ્કરી હેલિપેડ સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયું છે. 3 સિવિલ હેલિકોપ્ટર દ્વારા રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. ભટવારી અને હર્ષિલમાં હેલિકોપ્ટર ઉતરાણ સાથે બચાવ કામગીરીમાં વેગ મળ્યો છે. શિનુક, Mi-17 અને ALH હેલિકોપ્ટર સ્ટેન્ડબાય પર છે.