ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ફેબ્રુઆરીમાં વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી ત્રણ તબક્કામાં રેપો રેટમાં એક ટકાનો ઘટાડો કર્યો છે. ગવર્નર મલ્હોત્રાની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટી (MPC)ની આજે બુધવારે મળેલી બેઠકમાં બેઠકનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, જે અનુસાર રેપોરેટ 5.50 પર યથાવત રાખવામાં આવ્યા છે.
સંજય મલ્હોત્રાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતુ કે ચોમાસાની સ્થિત વધુ સારી છે. નોંધનીય છે કે 40 ટકા લોકોએ રેપોરેટમાં ઘટાડો કરવામાં આવશે તેવુ અનુમાન સેવ્યુ હતું.
RBI દ્વારા જારી કરાયેલા મુખ્ય આંકડાઓ પર નજર કરતા જણાય છે કે રેપોરેટ 5.50 પર યથાવત રખાયો છે. જ્યારે SDF દર 5.25 ટકા પર સ્થિર છે. તેમજ MSF દર 5.75 ટકા સાથે પોલિસી વલણ ન્યૂટ્રલ રાખવામાં આવ્યુ છે. નોંધનીય છે કે એમપીસીની બેઠકમાં ન્યૂટ્રલ પર મહદઅંશે ભાર મુકવામાં આવ્યો હતો. એમપીસીના 6 સભ્યોએ દરો યથાવત રાખવાની સંમતિ વ્યક્તિ કરી હતી.
વ્યાજ દરો યથાવત્ રાખવામાં આવતા હાલ હોમ લોન કે કાર લોનના EMIમાં કોઈ ફેરફાર થશે નહીં. RBIનું આ વલણ દર્શાવે છે કે તે સાવધાની સાથે આગળ વધી રહી છે. જ્યાં સુધી અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ અંગેનું ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી RBI કોઈ ઉતાવળિયા પગલાં લેવા માંગતી નથી. RBIએ આજે કોઈ મોટું આશ્ચર્ય આપ્યું નથી, પરંતુ તેણે ચોક્કસપણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે ફુગાવાને નિયંત્રિત કરવા તેમજ વૃદ્ધિ જાળવી રાખવા વચ્ચે સંતુલન જાળવવા માંગે છે. હવે રોકાણકારો ટેરિફનો મુદ્દો કઈ દિશામાં આગળ વધે છે તેના પર નજર રાખશે.