સુરતમાં સિંગણપોર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધું હતું. બીજી તરફ યુવતીને એક છોકરો પીછો કરી પરેશાન કરતો હોવાનો આક્ષેપ પિતા દ્વારા કરવામાં આવ્યો હતો. આ મામલે સિંગણપોર પોલીસે સગીર અને તેના પિતા વિરુદ્ધ આપઘાતના દુસ્પ્રેરણાનો ગુનો નોધ્યો છે અને સગીરના પિતાની ધરપકડ કરી છે.
યુવતીને સગીર ડેરાન કરતો અને પૈસાની માગણી કરતો
સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય નેના રજનીભાઈ વાવડિયાએ આપઘાત કરી લીધો હતો. આ મામલે સિંગણપોર પોલીસ મથકમાં આરોપી સગીર અને તેના પિતા વિષ્ણુભાઈ દેસાઈ સામે આપઘાતનો દુષ્પ્રરણાનો ગુનો નોંધાયો છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર સગીર પીછો કરીને હેરાન પરેશાન કરતો હતો. તેમજ દીકરી પાસે બળજબરી 30 હજાર રૂપિયાની માંગણી કરતો હતો આ ઉપરાંત યુવતીના પિતાએ સગીરના પિતા વિષ્ણુભાઈને જાણ કરતા તેઓએ પણ પુત્રનું ઉપરાણું લઈને ગાળાગાળી કરી હતી. આ મામલે સિંગણપોર પોલીસે ફરિયાદના આધારે સગીરના પિતા વિષ્ણુભાઈ દેસાઈની ધરપકડ કરી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસીપી પીનાકીન પરમારએ જણાવ્યું હતું કે 13-7-2025 ના રોજ સિંગણપોર પોલીસ સ્ટેશનની હદમાં નાનીવેડ વિસ્તારની અંદર એક 19 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ યુવતી ખાનગી ટ્યુશન ક્લાસીસની અંદર પોતે આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી પરંતુ તેણે 13મી તારીખે સાંજે 7.30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, જેની માહિતી પોલીસને મળતા પોલીસે જાણવા જોગ એ.ડી. ની તપાસ ચાલુ કરી હતી.
ગુનો દાખલ કર્યાના પાંચ કલાકની અંદર જ આરોપીના પિતાની ધરપકડ
બીજા દિવસે યુવતીના પિતા પોલીસ મથકે આવીને એમણે પોતાની વિગત આપી હતી જેની અંદર એ યુવતીને કોઈ એક છોકરો એના ટયુશન ક્લાસ ઉપર આવીને અને પરેશાન કરતો હતો અને તેની પાસે 30 હજાર રૂપિયાની માંગણી કરતો હતો. પિતાની ફરિયાદ પોલીસે તાત્કાલિક નોંધીને તરત જ ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યાના પાંચ કલાકની અંદર જ આરોપી સગીરના પિતાની પોલીસે ધરપકડ કરી હતી અને જે સગીર વિરુદ્ધ ફરિયાદ છે. તેને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવીને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે.
વધુમાં જણાવ્યું હતું કે ગઈકાલે પોલીસ અધિકારીઓ દ્વારા યુવતીના પિતા સાથે મુલાકાત કરવામાં આવેલી હતી અને તેમની સાથે સમાજના આગેવાનો પણ આવેલા હતા. તેમની સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને એમની જે રજૂઆત હતી. એ પોલીસે સાંભળી અને એ દિશામાં પોલીસે કાર્યવાડી કરેલી છે. સમાજના આગેવાનો દ્વારા અમુક ચોક્કસ પ્લેસ પરની રજૂઆત હતી કે ત્યાં છોકરાઓ છોકરીને છેડતી કરતા એવી રજૂઆતો હતી તેમજ અમુક ગાડીઓ બ્લેક કલરની ફિલ્મ લગાડીને એની અંદર છોકરીઓને પરેશાન કરતા એવી વિવિધ રજૂઆતો કરેલી હતી.