Friday, Oct 24, 2025

પ્રાણીપ્રેમીઓને રખડતા કૂતરા ઘરે લઈ જવા સુપ્રીમ કોર્ટની ટકોર

3 Min Read

મંગળવારે સુપ્રીમ કોર્ટે નોઈડામાં સમુદાયના કૂતરાઓને ખવડાવવા પર થતી હેરાનગતિનો આરોપ લગાવતી અરજીની સુનાવણી કરતી વખતે અરજદારને કૂતરા ઘરે લઈ જવા ટીપ્પણી કરી હતી. તેમણે અરજદારને પૂછ્યું, તમે તેમને તમારા પોતાના ઘરમાં કેમ ખવડાવતા નથી? સવાલ કર્યો કે આ બધી જગ્યા પ્રાણીઓ માટે છે તો માણસો માટે નથી. અરજદારે દાવો કર્યો હતો કે પશુ જન્મ નિયંત્રણ નિયમો અનુસાર સમુદાયના કૂતરાઓને ખવડાવવા બદલ તેમને હેરાન કરવામાં આવ્યા હતા.

રખડતા કૂતરાઓને ખવડાવવા બદલ લોકો સાથે અથડામણ થતાં સુપ્રીમ કોર્ટમાં ધા નાંખનાર અરજદારની બેન્ચે ઝાટકણી કાઢી હતી. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે અરજદારના વકીલને કહ્યું, આપણે આ મોટા હૃદયવાળા લોકો માટે દરેક ગલી, દરેક રસ્તો ખુલ્લો રાખવો જોઈએ? આ પ્રાણીઓ માટે બધી જગ્યા છે, માણસો માટે કોઈ જગ્યા નથી. તમે તેમને તમારા પોતાના ઘરમાં કેમ નથી ખવડાવતા? તમને કોઈ રોકી રહ્યું નથી. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, રખડતા કૂતરાઓને ખવડાવવાથી તેઓ પ્રાદેશિક બની રહ્યા છે અને ખતરો વધી રહ્યો છે.

આ અરજી અલ્હાબાદ હાઈકોર્ટના માર્ચ 2025ના આદેશ સાથે સંબંધિત હતી. વકીલે જણાવ્યું હતું કે, અરજદારને હેરાનગતિનો ભોગ બનવું પડતું હતું અને તે પશુ જન્મ નિયંત્રણ નિયમો અનુસાર સમુદાયના કૂતરાઓને ખવડાવી શકતો ન હતો. પશુ જન્મ નિયંત્રણ નિયમો, 2023 ના નિયમ 20 માં સમુદાયના પ્રાણીઓને ખોરાક આપવાની બાબતમાં ઉલ્લેખ છે. તે નિવાસી કલ્યાણ સંગઠન અથવા એપાર્ટમેન્ટ માલિક સંગઠન અથવા સ્થાનિક વિસ્તારના સ્થાનિક સંસ્થાના પ્રતિનિધિ પર તે પરિસરમાં અથવા તે વિસ્તારમાં રહેતા સમુદાયના પ્રાણીઓને ખોરાક આપવા માટે જરૂરી વ્યવસ્થા કરવાની જવાબદારી મૂકે છે.

સર્વોચ્ચ અદાલતે કહ્યું, અમે તમને તમારા પોતાના ઘરમાં આશ્રયસ્થાન ખોલવાનું સૂચન આપીએ છીએ. સમુદાયના દરેક કૂતરાને તમારા પોતાના ઘરમાં ખવડાવવો. શહેરોમાં સમુદાયના કૂતરાઓને ખવડાવવાની જવાબદારી કોની છે? અરજદારના વકીલે નિયમોનું પાલન કરવાનો દાવો કરી કહ્યું કે, નગરપાલિકા ગ્રેટર નોઇડામાં આવી જગ્યાઓ બનાવી રહી છે પરંતુ નોઇડામાં નહીં. વકીલે એકાંતમાં જગ્યા બનાવવા માગ કરતા બેન્ચે કહ્યું કે, તમે સવારે સાયકલ ચલાવો છો?” તે કરવાનો પ્રયાસ કરો અને જુઓ શું થાય છે. મોર્નિંગ વોક કરનારાઓ પણ જોખમમાં છે. સાયકલ સવારો અને ટુ-વ્હીલર વાહનો વધુ જોખમમાં છે.

ત્યારબાદ બેન્ચે અરજીને સમાન મુદ્દા પર એક અલગ પેન્ડિંગ અરજી સાથે ટેગ કરી. હાઇકોર્ટમાં, અરજદારે પ્રાણીઓ પર ક્રૂરતા નિવારણ અધિનિયમ, 1960 ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને નિયમોની જોગવાઈઓનો યોગ્ય કાળજી અને સાવધાની સાથે અમલ કરવા માટે અધિકારીઓને નિર્દેશો આપવાની માંગ કરી હતી.

Share This Article