સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવફેરનો વિરોધ આજે હિંસક બન્યો. ન્યાયી ભાવની માંગણી સાથે એકઠા થયેલા પશુપાલકોએ ડેરીની દીવાલની ગ્રીલ તોડી, પથ્થરમારો કર્યો, અને મુખ્ય ગેટના CCTV પણ તોડી પાડ્યા. આ હિંસક ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે, જ્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.
પશુપાલકોએ હિંમતનગર-તલોદ મુખ્ય માર્ગ બંધ કરીને ચક્કાજામ સર્જતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે સાબર ડેરી પરિસરમાં અને આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ આંદોલનમાં સ્થાનિક ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પશુપાલકોના સમર્થનમાં જોડાયા હતા, જેનાથી પરિસ્થિતિ વધુ તંગ બની હતી.
પશુપાલકોનો આક્રોશ શા માટે?
પશુપાલકોનો મુખ્ય રોષ સાબર ડેરી નિયામક મંડળ સામે છે, જેઓ દૂધના ભાવફેરમાં 20 થી 25 ટકા જેટલો વધારો ચૂકવવાની માંગ કરી રહ્યા છે. તેમનો આક્રોશ એ વાતનો પણ છે કે, પોતાની રજૂઆત કરવા આવેલા પશુપાલકો સામે ડેરી દ્વારા બાઉન્સર્સ કેમ ઉભા કરવામાં આવ્યા? શું પશુપાલકો પોતાની મહેનતનો જવાબ પણ ન માંગી શકે કે પોતાની રજૂઆત પણ ન કરી શકે? આ સવાલો આજે દરેક પશુપાલકના મનમાં ઘૂમી રહ્યા છે.
ગત વર્ષની સરખામણીએ મોટો ઘટાડો
પશુપાલકોના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે સાબર ડેરીએ વધારા પેટે 602 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જેના કારણે દૂધ ઉત્પાદકોને 17 ટકાથી વધુ ભાવ વધારો મળ્યો હતો. પરંતુ ચાલુ વર્ષે આ આંકડો ઘટાડીને માત્ર 500 કરોડ રૂપિયા કરી દેવાયો છે, જેના પરિણામે ભાવ વધારો ઘટીને 9.75 ટકા જેટલો જ રહ્યો છે. દૂધના ભાવફેરમાં થયેલો આ અચાનક ઘટાડો જ આજના આક્રોશનું મુખ્ય કારણ છે. પશુપાલકોની આ માંગણી અને વિરોધ પ્રદર્શન કેટલો સમય ચાલશે અને તંત્ર કે ડેરી સત્તાધીશો આ મામલે શું વલણ અપનાવે છે, તે જોવું રહ્યું. પરંતુ હાલ તો, સાબરકાંઠામાં પશુપાલકોનો આક્રોશ ચરમસીમા પર છે અને શાંતિપૂર્ણ સમાધાનની આશા ધૂંધળી બની રહી છે.