Wednesday, Nov 5, 2025

સુરત: અબ્રામા મામલતદાર કચેરીમાં તલાટી રૂ. 2500 લાંચ લેતો ઝડપાયો

2 Min Read

સુરતમાં ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશને વધુ વેગ મળ્યો છે. આજે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ અબ્રામા મામલતદાર કચેરી, સુદામા ચોક, મોટા વરાછા ખાતે ફરજ બજાવતા રેવન્યુ તલાટી હિતેશ અંબાલાલ દેસાઈ (ઉં.વ. 30) ને 2500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. એક જાગૃત નાગરિકની ફરિયાદને આધારે ACB એ આ સફળ ટ્રેપ ગોઠવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીએ પોતાની જમીનમાં આંબાનું વાવેતર કર્યું હતું અને તેના પાક વાવેતરનો દાખલો મેળવવા માટે આરોપી તલાટી હિતેશ દેસાઈની કચેરીમાં અરજી કરી હતી. આ દાખલો તાત્કાલિક કાઢી આપવાના બદલામાં તલાટી હિતેશ દેસાઈએ ફરિયાદી પાસેથી રૂ. 3000/- ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ACB નો સંપર્ક કર્યો અને સમગ્ર બાબતની જાણ કરી. ફરિયાદીની ફરિયાદના આધારે, ACB દ્વારા આજે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

લાંચ લેતા રંગેહાથ ઝડપાયો.
ACB દ્વારા ગોઠવાયેલા છટકા દરમિયાન, કઠોર ગામની સીમમાં, ફરિયાદીની જમીનની બાજુમાં આવેલા રોડ ઉપર જાહેરમાં આરોપી તલાટી હિતેશ દેસાઈએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. આ વાતચીત બાદ તેણે રૂ. 2500/- ની લાંચની માંગણી કરી અને સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ ACB ની ટીમે તેને સ્થળ પરથી દબોચી લીધો હતો અને ગુનો દાખલ કર્યો હતો. લાંચની રીકવર કરાયેલી રકમ 2500/- રૂપિયા છે.

આ સમગ્ર કાર્યવાહી સુરત ગ્રામ્ય ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. સોલંકી અને તેમની ACB સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ ટ્રેપનું સુપરવિઝન મદદનીશ નિયામક, ACB સુરત એકમ, સુરતના આર.આર. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઘટનાથી સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર ફરી એકવાર પ્રકાશ પડ્યો છે અને ACB ની સતર્કતાથી આવા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહી છે તે સાબિત થયું છે.

Share This Article