વડોદરા જિલ્લાના મુજપુર નજીક થયેલી ગંભીરાબ્રિજ દુર્ઘટનાએ અનેક પરિવારને હચમચાવી દીધા છે. મહીસાગર નદી પરના આ પુલનો એક મોટો ભાગ તૂટી પડતાં ચાર વાહનો સીધા વહેણમાં ખાબક્યા. હજુ સુધી 13 મોતની પુષ્ટિ થઈ છે …પરંતુ, એક મહિલાનું જીવદાયક રુદન ઘટનાની ભયાવહતાને ઉજાગર કરે છે.
“મારાં દીકરાને બચાવો… ઘરવાળાને બચાવો,” એવું આક્રંદ કરતી મહિલાની વાત સાંભળીને કોઈના પણ રૂંવાડા ઉભા થઈ જાય.
“ટ્રક સાથે પુલ તૂટી પડ્યો, ગાડી પાણીમાં ગરકાવ થઈ ગઈ”
મહિલાએ રડતાં-રડતાં જણાવ્યું, “હું, મારો પતિ, દીકરો, દીકરી, જમાઈ અને ઘરની તમામ સાથે એક ખાનગી કારમાં બગદાણા જઇ રહ્યા હતા. સવારે લગભગ 7 વાગ્યે જેમ જ પુલ પર ચડ્યા, એટલામાં સામેથી આવી રહેલી ટ્રક સાથે પુલ અચાનક તૂટી પડ્યો. અમારી ગાડી સીધી મહીસાગર નદીમાં જઈ પડી.”
“હું તો બચી ગઈ, પણ બધાં ગાડીમાં જ ફસાઈ રહ્યા”
મહિલાએ આગળ કહ્યું, “હું ગાડીના પાછળના ભાગે ડીક્કી પાસે બેઠી હતી, એટલે મને બહાર નિકળવા માટે કાચ તોડવો પડ્યો. પણ ગાડી લોક થઈ ગઈ હતી. ઉપરથી ટ્રક પણ પડી ગઈ, જેનાથી અંદર બેઠેલા મારા બે વર્ષના દીકરા, છ વર્ષની દીકરી અને પતિ સહિત કોઇને પણ બહાર કાઢી શકી નહિ. હું સતત એક કલાક સુધી પાણીમાં બૂમો પાડી રહી, પણ કોઈ બચાવી શક્યું નહિ.”
રેસ્ક્યૂ કામગીરી ચાલુ, જીવ બચાવવાના પ્રયાસો પૂરજોશમાંઘટનાની જાણ થતા જ NDRF, SDRF, પોલીસ અને તંત્રના રેસ્ક્યૂ કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ભારે વહેણ અને પુલના અવશેષોને લીધે રાહત કાર્યમાં અડચણો આવી રહી છે, છતાં શ્વાન દળ અને ડાઇવર્સની મદદથી શોધખોળ ચાલુ છે.