Monday, Dec 22, 2025

ઝાંસી રેલવે સ્ટેશન પર આર્મી ડોક્ટરે પોકેટ નાઈફ અને ધોતીથી કરાવી સફળ ડિલિવરી!

2 Min Read

ઝાંસી મિલિટરી હોસ્પિટલમાં તહેનાત 31 વર્ષના આર્મી ડોક્ટર મેજર રોહિત બચવાલા હૈદરાબાદ જઈ રહ્યા હતા ત્યારે તેમણે શનિવારે ઉત્તર પ્રદેશના વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી રેલવે-સ્ટેશનના ફુટઓવર બ્રિજ પર એક મહિલાને બાળકને જન્મ આપવામાં મદદ કરી હતી. આ મહિલા મુંબઈ પાસેના પનવેલથી બારાબંકી જઈ રહી હતી. લેબર પેઇન શરૂ થતાં તેના પતિએ તબીબી સહાય માટે રેલવેની મદદ માગી હતી અને પરિવારને ઝાંસી સ્ટેશન પર નીચે ઉતારી દેવામાં આવ્યો હતો.

મેજર રોહિત બચવાલા હૈદરાબાદ જતી પોતાની ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેમણે મહિલાને લેબર પેઇનમાં જોઈ હતી. મેજર રોહિત તેમના હાથમાં રહેલાં સાધનો જેવાં કે પોકેટ નાઇફ અને હેર-ક્લિપ્સ સાથે મહિલાની મદદ કરવા પહોંચી ગયા હતા. ડિલિવરી એરિયાને ઢાંકવા માટે ધોતી લાવવામાં આવી હતી અને રેલવેની મહિલા સ્ટાફે સલામત તબીબી પ્રક્રિયા માટે ડોક્ટરને ગ્લવ્ઝ પણ પૂરો પાડ્યાં હતાં. સફળ ડિલિવરી પછી મહિલા અને તેના નવજાત શિશુને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં હતાં. બેઉની સ્થિતિ સ્થિર છે.

ભારતીય સેનાએ મેજર રોહિતની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘ઝાંસીની મિલિટરી હોસ્પિટલના આર્મી ડોક્ટર મેજર રોહિતે ઝાંસી રેલવે-સ્ટેશન પર ગર્ભવતી મહિલાની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. ગર્ભવતી મહિલાને અણધારી પ્રસૂતિ-પીડા થઈ ત્યારે સ્ટેશન પર હાજર આર્મી ડોક્ટરે કોઈ પણ વિલંબ કર્યા વિના અને ઓછામાં ઓછાં સંસાધનોનો ઉપયોગ કરીને પડકારજનક વાતાવરણમાં મહત્ત્વપૂર્ણ તબીબી સહાય પૂરી પાડીને સલામત પ્રસૂતિ સુનિ^તિ કરી હતી. સમયસર હસ્તક્ષેપ કરવાથી માતા અને નવજાત શિશુ બન્ને સ્થિર સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે.

Share This Article