સુરત શહેરમાં બદલાતા હવામાનની લોકોનાં સ્વાસ્થ્ય પર અસર-વર્તાઈ રહી છે. ચોમાસાની ઋતુને કારણે મલેરિયા, ડેન્ગ્યુ, ઊલટી-ઝાડા, શરદી-ખાંસી, તાવ જેવા મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, ઓપીડીમાં દરરોજ 10થી 12 ટકા વધુ કેસ આવી રહ્યા છે. જો સતત વરસાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં મોસમી રોગોનાં કેસમાં વધારાને શક્યતા નકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 દિવસમાં સુરતમાં ઝાડા-ઊલટી અને તાવથી બાળકો સહિત 10નાં મોત થયાં છે.
શહેરમાં મોસમી રોગોના 733 દર્દી
જૂન મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો, નવી સિવિલ હોસ્પિટલમાં 223 મલેરિયા અને 113 ડેન્ગ્યુ સહિત મોસમી રોગોના કુલ 733 દર્દી દાખલ થયા છે. જૂનના છેલ્લા અઠવાડિયાથી શહેરમાં ચોમાસાએ દસ્તક આપી છે. આ ઋતુમાં સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી પણ મોંઘી સાબિત થઈ શકે છે. નવી સિવિલ સ્પિટલના તબીબે જણાવ્યું હતું કે હવામાનમાં ફેરફારની અસર હવે લોકો પર દેખાઈ રહી છે, જેના કારણે મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં 10થી 12 ટકાનો વધારો થયો છે.
વરસાદી પાણીતી મચ્છરજન્ય રોગચાળો વધ્યો
વરસાદની ઋતુમાં મલેરિયા, ડેન્ગ્યુ, શરદી, ફ્લૂ વાઇરલ તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે. ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં ખાડીનું પાણી-પ્રવેશ્યાં હતાં. એ જ સમયે સોસાયટીઓમાં પાણી ભરવાથી મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે. મલેરિયા અને ડેન્ગ્યુ ઉપરાંત, વરસાદ દરમિયાન હેપેટાઇટિસ, ટાઈફોઈડ, કમળો અને તીવ્ર ગેસ્ટ્રો અને ચામડી પર ખંજવાળના દર્દીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
વરસાદ બંધ થતાં દર્દીઓનો ક્રમશઃ વધારોઃ ડો. જિગીષા
સુરત સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર જિગીષા પાટિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી ચોમાસાનો વરસાદી માહોલ છે. વરસાદ બંધ થયા બાદ હોસ્પિટલમાં દર્દીઓનો ક્રમશઃ વધારો થતો હોય છે. સિવિલ હોસ્પિટલમાં મુખ્ય બે મેડિસન અને પીડિયાટ્રિક વિભાગમાં 600થી વધુ ઓપીડી આવી રહી છે. સામાન્ય દિવસ કરતા તેમાં ક્રમશઃ વધારો થયો છે. હાલ જે દર્દીઓ આવે છે તેમાં ઝાડા-ઊલટી, શરદી-ઉધરસ, તાવ અને ચામડીના ખંજવાળનો દર્દીઓનો સમાવેશ થાય છે.

15 દિવસમાં 10થી વધુ લોકોનાં મોત
છેલ્લા 15 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મોસમી રોગોથી મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. અત્યારસુધીમાં 10થી વધુ લોકોના મોતની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ સ્વચ્છતા અભિયાન અને જંતુનાશક દવાના છંટકાવમાં બેદરકારી દાખવી રહ્યું છે. પાંડેસરા, ભેસ્તાન, પુણાગામ, ગોડાદરા, ડિંડોલી સહિતના વિવિધ વિસ્તારોમાં લોકો બીમારીના કારણે અને સારવારના અભાવે મૃત્યુ પામી રહ્યા છે.