પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા ખાતે મિથેનોલ કેમિકલ ખાલી કરીને પરત જઈ રહેલાં માલવાહક જહાજમાં તુણા ઓટીબી પાસે અચાનક બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી અને આ વિશાળ જહાજ એક તરફ નમી જતાં પોર્ટ પ્રશાશનમાં ભારે દોડધામ થઇ પડી હતી. સદ્ભાગ્યે આ બનાવમાં જાનહાનિ ટળી જતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.
માહિતી અનુસાર, જહાજમાં વિસ્ફોટ ત્યારે થયો જ્યારે તે મિથેલોન કેમિકલ ખાલી કરી રહ્યું હતું. ધડાકાની તીવ્રતા એવી હતી કે સમગ્ર પોર્ટ વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. જોકે, સદનસીબે જહાજમાં હાજર તમામ 21 ક્રુ-મેમ્બરો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોઇ જાનહાનીની જાણકારી મળી નથી.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક મેરિટાઈમ રિસ્પોન્સ સેન્ટર અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે પોર્ટ સત્તાવાળાઓ દ્વારા સલામતીના પગલાં પણ ઝડપથી અમલમાં મૂકાયા છે.
જહાજમાં થયેલા નુકસાનના કારણે જ્યાં સુધી સંપૂર્ણ તપાસ ન થાય, ત્યાં સુધી આસપાસના ઓપરેશન્સ પર નિયંત્રણ રહેશે. જો કે હાલ સુધી વિસ્ફોટના કારણ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પ્રાથમિક તારણ મુજબ કેમિકલ રિએક્શન અથવા ટેકનિકલ ખામી હોઈ શકે છે. અન્ય નૌકાઓ અને પોર્ટ કર્મચારીઓ માટે સલામતીની દૃષ્ટિએ તાત્કાલિક તકેદારીના નિર્દેશ આપવામાં આવ્યા છે.
જહાજના સર્વે સહિતની કામગીરી આરંભાશે તેમ કંડલા બંદરના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાં વર્ષો અગાઉ કંડલાના દરિયાઈ વિસ્તારમાં જેનેશ ઓઈલ ટેન્કરમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં એ જહાજ બળીને ખાખ થયું હતું. આ ઉપરાંત તાજેતરમાં જ કંડલાથી ઓમાન જઈ રહેલા જહાજની કપ્તાનની કેબિનમાં આગ ભભૂકી ઊઠી હતી, જેમાં ભારતીય નૌકાદળની ટુકડી એ હેલિકોપ્ટર અને અગ્નિશમનની સામગ્રી લઈને સફળ બચાવ કામગીરી પાર પાડીને તમામ ખલાસીઓને બચાવી લેવાયા હતા.