કેદારનાથ યાત્રા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં શ્રદ્ધાળુઓને આગળ જતા અટકાવવામાં આવ્યા છે. હવામાન વિભાગે રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લાઓમાં 7 અને 8 જુલાઈ, 2025 માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક થયું છે.
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને આજુબાજુના વિસ્તારોમાં સતત વરસાદને કારણે અલકનંદા નદીમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે. જોકે, નદી હજુ ખતરાના નિશાનથી નીચે છે, પરંતુ વધતું પાણીનું સ્તર ચિંતાનો વિષય બન્યું છે. આ સ્થિતિ યાત્રીઓ અને સ્થાનિક લોકોઓ માટે જોખમ વધારે છે, કારણ કે નદીના કિનારે આવેલા રસ્તાઓ પણ પાણી અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે.
ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ જવાનો માર્ગ પણ બંધ થઈ ગયો છે, જેનાથી ચાર ધામ યાત્રા પર નોંધપાત્ર અસર પડી છે. ગૌરીકુંડમાં ભૂસ્ખલનના કારણે રસ્તાઓ પર ફસાયેલો કાટમાળ દૂર કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેથી યાત્રા શક્ય તેટલી જલદી ફરી શરૂ થઈ શકે. આ પ્રક્રિયા દરમિયાન, શ્રદ્ધાળુઓને સલામત સ્થળોએ રાખવામાં આવ્યા છે.
બદ્રીનાથ હાઇવે બંધ
ચમોલી જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. ઉમટ્ટામાં ટેકરી પરથી કાટમાળ પડવાથી બદ્રીનાથ હાઇવે બંધ છે, જ્યારે 66 KV પાવર લાઇનમાં ખામી સર્જાવાથી જ્યોતિર્મઠ વિસ્તારમાં ગઈકાલ રાતથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. બીજી તરફ, ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા બંધ કરવામાં આવી છે.