ગીર સોમનાથની વેરાવળ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીના પગલે વેરાવળ કોર્ટ ખાલી કરી દેવાઈ. બૉમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આજે (7 જુલાઇ) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યા ઇમેલની જાણ થતાં કોર્ટ પરિસરને ખાલી કરી દેવામાં આવ્યું હતું અને સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વેરાવળ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલને આજે વહેલી સવારે ઇમેલ દ્વારા કોર્ટને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકીભર્યા ઇમેલ મળતાં જ તેમણે સુરક્ષા એજન્સીને જાણ કરી હતી અને સુરક્ષાને ધ્યાને રાખી કોર્ટના જૂના બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. બોમ્બની ધમકી મળતાં કોર્ટ પરિસરમાં ભયનો માહોલ છવાયો છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કોર્ટમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.