અમરનાથ યાત્રા માટે લોકો આજે જમ્મુથી રવાના થઈ રહ્યા છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી આપી છે. યાત્રીઓ બપોર બાદ કાશ્મીર ઘાટી પહોંચશે, જોકે, મોટાભાગના લોકોની યાત્રાની શરૂઆત કાલથી થશે. 38 દિવસ ચાલનારી આ યાત્રા પહલગામ અને બાલાટાલ બંને રૂટથી થશે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ (NH-44) સહિતના રૂટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. યાત્રાનું સમાપન 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસથી થશે.
કોઈ પણ જોખમ ભક્તોની શ્રદ્ધાને ડગમગાવી નહીં શકે: LG
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, જેમણે જમ્મુના તાવી રિવરફ્રન્ટ ખાતે ‘તાવી આરતી’માં ભાગ લીધો હતો, તેમણે મંગળવારે કહ્યું કે, આજે આખી દુનિયા અમરનાથ યાત્રા પર નજર રાખી રહી છે અને કોઈ પણ જોખમ ભક્તોની શ્રદ્ધાને ડગમગાવી નહીં શકે.’ LG સિન્હાએ દાવો કર્યો હતો કે આ વર્ષની અમરનાથ યાત્રા પાછલા બધા વર્ષો કરતાં વધુ ઐતિહાસિક હશે અને તેમના માટે તે જમ્મુ અને કાશ્મીરના પ્રાચીન ગૌરવને પુનઃસ્થાપિત કરવાની તક છે.
યાત્રામાં ગુજરાતીઓની સંખ્યામાં ઘટાડો
બાબા બર્ફાનીના દર્શન માટે અમરનાથ યાત્રાનો આગામી 3 જુલાઈથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા તેમજ આ વખથી હેલિકોપ્ટર સુવિધા બંધ રાખવામાં આવી હોવાથી ગુજરાતથી યાત્રાળુઓમાં 8 ગણાથી વધુનો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાંથી આ વખતે પાંચ હજાર જેટલા જ શ્રદ્ધાળુઓ અમરનાથમાં દર્શન કરવા જાય તેવી સંભાવના છે.
પહલગામ હુમલાને લઈને ઘટ્યું રજિસ્ટ્રેશન
9 ઓગસ્ટ સુધી યોજાનારી અમરનાથ યાત્રામાં 3.50 લાખથી શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ, એપ્રિલમાં પહલગામ પ્રવાસીઓ પરના આતંકી હુમલા બાદ અમરનાથ માટે રજિસ્ટ્રેશન કરાવનારા યાત્રાળુઓની સંખ્યા ઘટીને 85 હજાર થઈ ગઈ છે. ગત વર્ષે અમરનાથ યાત્રામાં 5.10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા હતા, જે છેલ્લાં એક દાયકામાં સૌથી વધુ હતા. સામાન્ય રીતે વિવિધ સંઘો ગુજરાતથી અમરનાથ યાત્રાએ જતા હોય છે. આ વખતે આવા સંઘોમાં પણ ઘટાડો નોંધાયો છે.
કડક સુરક્ષા વ્યવસ્થા
પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા અને ‘ઓપરેશન સિંદૂર’ બાદ આ વર્ષની યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, CRPF, SSB, ITBP અને ભારતીય સેનાની ટુકડીઓ યાત્રા માર્ગ પર તૈનાત કરાઈ છે. ગયા વર્ષે 514 પેરા-મિલિટરી કંપનીઓ તૈનાત હતી, જ્યારે આ વર્ષે આ સંખ્યા વધારીને 581 કરવામાં આવી છે, જેમાં CRPFની 221 કંપનીઓ અને અન્ય કેન્દ્રીય પોલીસ દળોની 360 કંપનીઓનો સમાવેશ થાય છે. જમ્મુથી બાલટાલ અને પહેલગામ જતા રૂટની સુરક્ષા માટે CRPF ને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે પવિત્ર ગુફાની સુરક્ષા ITBP સંભાળે છે. આ ઉપરાંત, સેના અને પોલીસની વિશેષ ટુકડીઓ પણ દરેક સ્થળે તૈનાત છે.