Monday, Dec 22, 2025

શિમલાના ભટ્ટાકુફરમાં ભૂસ્ખલન થતાં 5 માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી

2 Min Read

હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા છે અને સમગ્ર જનજીવન ખોરવાઈ ગયું છે. સોમવારે સવારે રાજધાની શિમલાના ભટ્ટાકુફર વિસ્તારમાં એક 5 માળનું મકાન પત્તાના ઢગલા જેવું તૂટી પડ્યું. આ અકસ્માત ચામ્યાના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફ જતા રસ્તા પર માથુ કોલોનીમાં થયો હતો. ચાર માર્ગીય બાંધકામના કામને કારણે આ ઇમારત જોખમમાં હતી અને તેને ઘણા સમય પહેલા ખાલી કરાવવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોરલેન નિર્માણના કારણે ઈમારતની નીચે મોટી-મોટી તિરાડો પડી હતી. જેથી આ ઈમારતને ગઈકાલે જ ખાલી કરાવી દેવામાં આવી હતી. આજે સવારે ઈમારત કડડભૂસ થઈ હતી. તેના લીધે અન્ય ઈમારતો પર પણ જોખમ ઉભુ થયું છે. લોકો ભય હેઠળ જીવવા મજબૂર બન્યા છે. લોકોને ઘર ખાલી કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પ્રશાસન પર લગાવ્યા આરોપ
અત્યાર સુધી પ્રશાસન તરફથી કોઈ પણ અધિકારી આ ઘટનાસ્થળે પહોંચ્યા નથી. સ્થાનિક લોકોએ આરોપ મૂક્યો છે કે, અહીં સરકાર ફોરલેનનું નિર્માણ કરી રહી છે. જો કે, કોઈ સુરક્ષા કે સાવચેતીના માપદંડો હાથ ધર્યા નથી. આ ફોરલેનના નિર્માણના કારણે જ ઈમારતના પાયા ડગમગી રહ્યા છે. તેના લીધે આજે આ પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ. અન્ય ઈમારતોમાં પણ તિરાડો પડી છે. જમીનની સ્થિરતા, સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં લીધા વિના જ આ ફોરલેનના બાંધકામે લોકોના જીવને જોખમમાં મૂક્યું છે.

શિમલામાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. શિમલાના જાલોગ નજીક ભારે વરસાદ વચ્ચે એક વાહનને અકસ્માત નડ્યો હતો. જેમાં સવાર ત્રણના મોત થયા હતાં. ગઈકાલે મોડી રાતથી જિલ્લામાં આભ ફાટ્યું હોવાનું શિમલા આપત્તિ નિવારણ અધિકારીઓએ જણાવ્યું હતું. વીજ પુરવઠો પણ ખોટવાયો હતો. ભારે વરસાદના કારણે ચિમિયાન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નજીક માથુ કોલોનીમાં પણ એક ઈમારત ધરાશાયી થઈ હતી. જો કે, ઈમારત ખાલી હોવાથી જાનહાનિ ટળી હતી.

Share This Article