મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયા બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. મહેસાણા ખાતે આવેલી દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં ભ્રષ્ટાચાર મુદ્દે સવાલો કરનાર વાઈસ ચેરમેન યોગેશ પટેલ ઉપર ચેરમેન અશોક ચૌધરી અને દિલીપ ચૌધરીએ હુમલો કર્યાની માહિતી સામે આવી છે. આ હુમલામાં યોગેશ પટેલની સોનાની ચેઈન અને ચશ્મા તોડી નાંખ્યા હતા. જેના પગલે વાઈસ ચેરમેન યોગેશ પટેલે મહેસાણા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી કરી છે.
સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
દૂધસાગર ડેરીની મિટિંગમાં ભ્રષ્ટાચાર મુદ્દે સવાલો કરનાર વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ પર ચેરમેન અશોકભાઈ ચૌધરી અને દિલીપભાઈ ચૌધરી એ હુમલો કરીને મારામારી કરી સોનાની ચેન અને ચશ્મા તોડી નાંખ્યા. મહેસાણા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી કરાઈ.
આ મામલે દૂધસાગર ડેરીમા વાઈસ ચેરમેન યોગેશ પટેલે એક વીડિયો પણ શેર કર્યો છે અને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી છે. વીડિયોમાં યોગેશ પટેલના હાથમાં તેમના તૂટેલા ચશ્મા અને તુટેલી સોનાની ચેન સ્પષ્ટ દેખાઈ રહી છે. ત્યાં જ વીડિયોમાં તેઓ પોતાના પર થયેલા હુમલાની સમગ્ર ઘટના વર્ણવી રહ્યા છે.
મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયાની જાણકારી દૂધસાગર ડેરીમા વાઈસ ચેરમેન યોગેશ પટેલે પોતે આપી છે. તેમણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે,”હું દૂધસાગર ડેરીમા વાઈસ ચેરમેન યોગેશ પટેલ, આજે અમારી બોર્ડ બેઠક હતી અને તેમાં મેં પ્રશ્નોત્તરી હતી. જે દરમિયાન મારી પાસે કેટલાક મુદ્દા હતા. જે મેં ચેરમેન અને એમડીને મારે પૂછવાના હતા. જેથી મેં મારા મુદ્દાને લઈ પૂછ્યુ જે મુદ્દો સાચો હતો. બેંકનું 1790 કરોડનું રૂપિયાનું દેવું છે, તેઓએ સાગર પત્રિકામાં જે લખાવ્યું છે તે ખોટું છે.”
વધમાં વાઇસ ચેરમેન યોગેશ પટેલ કહ્યું કે,”બેંકોનું 1790 કરોડ રૂપિયાનું દેવું ડેરી પર છે જે મેં પૂછતા દૂધસાગર ડેરીના ચેરમેન અને એમડી મારા પર ખિજાયા હતા, જે બાદ અશોક ચૌધરી અને દિલીપ ચૌધરીએ મારા પર હુમલો કર્યો હતો. અગાઉ પણ આ લોકોએ મને ધમકી આપી હતી. જોકે હું ભારતીય જનતા પાર્ટીનો એક સૈનિક અને કાર્યકર્તા છું. હું પણ પટેલનો દીકરો છું અને સામો જવાબ પણ આપી શકું છું પરંતુ મારી પાર્ટીની છબી ખરડાય નહીં માટે મેં તેઓને વળતો જવાબ આપ્યો નહીં પરંતુ બાદમાં મેં મહેસાણા ખાતે આવેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી તેઓ વિરૂદ્ધ ફરિયાદ માટે અરજી આપી દીધી છે.”.